મોકુફ:SP યુનિ.ની સિન્ડીકેટ બેઠક અચાનક મોકુફ રખાતા આશ્ચર્ય

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોના સોશ્યલ મીડિયા ગ્રૂપમાં મોડી સાંજે ઈન્ચાર્જ રજિસ્ટારે મેસેજ મૂક્યો

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠક અચાનક મોકુફ કરી દેતા અાશ્ચર્ય સર્જાયું છે. યુનિવર્સિટી સંકુલમાં છેલ્લાં કેટલાંય સમયથી ખળભળાટ મચાવનારા રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળા અને બાયો સાયન્સની આગનો રિપોર્ટ શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરવાનો હતો. પરંતુ કેટલાંક સભ્યોને રિપોર્ટનો અભ્યાસ કરવાનો બાકી છે અને તેઓ દ્વારા બેઠક મોકુફ રાખવામાં આવે તેવુ જણાવતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મેસેજમાં જણાવવામાં આવ્યું હતું. જોકે, બેઠક અચાનક મોકુફ રાખવાને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે યુનિવર્સિટીના સિન્ડીકેટ હોલમાં સિન્ડીકેટ બેઠક મળવાની હતી. આ બેઠકમાં દસ મહિના પછી આપવામાં આવેલા બાયો સાયન્સની આગનો રિપોર્ટ અને તાજેતરમાં રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળાનો રિપોર્ટ રજૂ કરવાના હતા.

બંને રિપોર્ટમાં ચીફ એકાઉન્ટટન્ટ નરેશ કે. ભટ્ટની જવાબદારી નક્કી કરાઈ છે. જ્યારે બીજી તરફ રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળામાં નરેશ ભટ્ટ ઉપરાંત તત્કાલિન ઓડિટર કે.જી. પટેલ એન્ડ કાું તથા વર્તમાન ઓડિટર સીએનકે એસોસિયેટ્સની જવાબદારી નક્કી કરાઈ છે. સિન્ડીકેટ સભ્યો દ્વારા જવાબદારો સામે શું પગલાં લેવા તેનો નિર્ણય લેવામાં આવનાર હતો. જેને લઈને છેલ્લાં કેટલાંય સમયથી મોટાભાગના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

દરમિયાન, ગુરૂવારે સાંજે અચાનક યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોના સોશ્યલ મીડિયા ગ્રૂપમાં ઈન્ચાર્જ રજિસ્ટારે બેઠક મોકુફ રાખી હોવાનું જણાવતા ખુદ સિન્ડીકેટ સભ્યોને પણ આશ્ચર્ય થયું છે. કારણ કે, તેમાં કેટલાંક સભ્યોએ જ રિપોર્ટ વાંચવાનો બાકી હોવાનું જણાવી મોકુફ રાખવાની માંગ કરી હતી.

વીમા પોલીસીની નકલો જ અેકાઅેક ખોવાઈ ગઈ
કમિટી સમક્ષ ઓરિએન્ટયલ ઈન્સ્યોરન્સ કંપનીના ડેવલોપમેન્ટ મેનેજર મહેશભાઈ પટેલે જે તે સમયે નિવેદન માટે બોલાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, એક બે માસ પહેલાં તેઓને જાણ કરાઈ હતી કે, વીમા પોલીસીની નકલો જ ખોવાઈ ગઈ હતી. જેને પગલે તેમણે કંપનીમાંથી ખોવાયેલી વીમા પોલીસીની નકલો યુનિવર્સિટીને અપાવી હતી.

અેકાઉન્ટન્ટને રજા પર ઉતારી ખાતાકીય તપાસની માંગ કરાઈ
બાયો સાયન્સની આગના રિપોર્ટને લઈને કમિટી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તેઓે દ્વારા એકાઉન્ટટન્ટ એન. કે. ભટ્ટને પગાર વગર રજા પર ઉતારી દઈ ખાતાકીય તપાસની માંગ પણ રીપોર્ટમાં કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...