• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Surat School Administrators Raise Crores Of Rupees By Talking About Providing Free Education In Changa, Police Record Crime

શિક્ષણમાં પણ છેતરપિંડી:ચાંગામાં નિઃશુલ્ક શિક્ષણ આપવાની વાત કરી કરોડોની ડિપોઝીટ ઉઘરાવી સુરતના શાળા સંચાલકો એ હાથ અધ્ધર કર્યા,પોલીસે ગુનો નોંધ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઈબ્રેન્ટ ઈન્ટરનેશનલ એકેડેમી સ્કુલના નામે વાલીઓ સાથે છેતરપિંડી
  • ચાંગા વાઈબ્રેન્ટ ઈન્ટરનેશનલ એકેડેમી સ્કુલમાં વાલીઓની લાખો ની રકમ ડૂબી
  • ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર વગરની પાવતીઓ વાલીઓને અપાઈ હતી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામે સુરતના 13 જેટલા શખ્સોએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. આ 13 શખ્સોએ ચાંગા ગામે વિદ્યાલક્ષ્મી સ્કોલરશીપની યોજના જાહેર કરી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની વાત કરી વાલીઓને લલચાવ્યાં હતાં. બાદમાં રૂ.100ના સ્ટેમ્પ પેપર પર વાલીઓના સહી-સિક્કા કરાવી નોટરી કરાર કરાવ્યાં હતા અને લાખો રૂપિયા ડિપોઝીટ પેટે લીધાં હતાં. બાદમાં આ 13 શખ્સોએ હાથ અધ્ધર કરી દેતાં વાલીઓના નાણાં ફસાતાં આ અંગે વાલીઓએ મહેળાવ પોલીસ મથકે 13 શાળા સંચાલકો સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના ચાંગા ગામે ચરોતર એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ કાર્યરત વાઈબ્રેન્ટ ઈન્ટરનેશનલ એકેડેમી સ્કૂલના સંચાલકો દ્વારા ‘વિદ્યા લક્ષ્મી સ્કોલરશીપ’ નામની અભ્યાસ યોજના ચાલુ કરી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીના વાલીઓ પાસેથી વગર વ્યાજની ડિપોઝીટ લેવામાં આવતી હતી. જે ડિપોઝીટ સામે વિદ્યાર્થીને વાયબ્રન્ટ ઈન્ટરનેશનલ એકેડેમીમાં નિઃશુલ્ક શિક્ષણ આપવાનું નક્કી કરાયું હતું. જે અંતર્ગત શાળામાં દાખલ કર્યાથી ધોરણ 10 સુધી વિનામુલ્યે ભણાવવામાં આવશે. તેવી ખાતરી પણ આપી હતી.

બાહેંધરી આપ્યા બાદ હાથ અધ્ધર કર્યાં

આ સિવાય જે વિદ્યાર્થી ચાલુ સ્કૂલેથી ઉઠાવી બીજે એડમિશન કરવા માટે લઈ જાય તો તેઓના વાલીને ભરેલી ડિપોઝીટની રકમ કરાર મુજબ પૂરેપૂરી પરત આપવાની રહેશે. તેવી બાહેંધરી પણ આપવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ ફરિયાદી વિપુલભાઈ વિનુભાઈ પટેલ (રે. થલેડી)એ પોતાની પુત્રીનું ધોરણ 6 માં સને 2015માં એડમીશન કરાવ્યું હતું અને રૂ.3.80 લાખની ડિપોઝીટ મૂકી હતી. જે પેટે ચરોતર એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થા દ્વારા રસીદ પણ આપવામાં આવી હતી. જોકે, વિપુલભાઈએ 2019-20માં ધો.10માંથી પુત્રીનું એડમિશન બીજા કરાવવાનું નક્કી કરતાં સ્કીમ અને કરાર મુજબ 28મી ડિસેમ્બર,2020ના રોજ શાળાએ પહોંચ્યાં હતાં અને કરાર મુજબ ડિપોઝીટની રકમ પરત મેળવવા અરજી કરી હતી.

તુમાખીભર્યું વર્તન પણ કર્યું

આ અરજીને લાંબો સમય થવા છતાં વિપુલભાઈને ડિપોઝીટ પરત મળી નહતી અને ધક્કા ખવડાવતા હતાં. ડિરેક્ટર વતી પાવર ઓફ એટર્ની ધરાવતા ચંદ્રેશભાઈ કરમશીભાઈ ધંધુકીયાને જવાબદારી સોંપી હતી. તેઓને એક સપ્તાહ પહેલાં જ વિપુલભાઈ રૂબરૂ મળવા માટે ગયાં હતાં ત્યારે તેમની સાથે બિભત્સ વર્તન કરી તારાથી થાય તે કરી લેજે, તને ડિપોઝીટની રકમ પરત નહીં મળે, તારે કોર્ટમાં જવું હોય તો છુટ છે, પોલીસ સ્ટેશન જવું હોય તો પણ છુટ છે. જો ડિપોઝીટ પરત લેવા આવ્યાં તો હાડકા – પાંસડા તોડી નાંખીને ગટરમાં ફેંકી દઇશ. તેવી ધમકી આપી હતી. આ વર્તનથી ડઘાઇ ગયેલા વિપુલભાઈએ તપાસ કરતાં તેની જેવા અન્ય વાલીઓ પણ ડિપોઝીટ માટે ધક્કા ખાતાં હોવાનું જાણવા મળ્યું હતું.

કોના સામે ફરિયાદ નોંધાઇ?

બધુ મળી વાલીઓના રૂ.3.80 લાખ શાળા સંચાલકો દબાવીને બેસી ગયાં હતાં અને વાલીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું જણાયું હતું. આથી, વિપુલભાઈએ મહેળાવ પોલીસ મથકે ટ્રસ્ટીઓ જેન્તી વિઠ્ઠલભાઈ આંબલીયા (રહે.આશનગર સોસાયટી, સુરત), રસીક નાથાભાઈ કાકલોતર (રહે.શાંતીનગર સોસાયટી, સુરત), પ્રવિણ ધરમશીભાઈ કળસરીયા (રહે. શિવછાયા સોસાયટી, સુરત), કલ્પેશ ધીરૂભાઈ કળસરીયા (રહે.આશનગર સોસાયટી, સુરત), જેન્તી કાનજીભાઈ ઘોડાદરા (રહે.આશાનગર સોસાયટી, સુરત), રમેશ વલ્લવભાઈ આંબલીયા (રહે.શિવછાયા સોસાયટી, સુરત), નિસર્ગ મુકુલભાઈ પટેલ (રહે. પંચવટી એપાર્ટમેન્ટ, સુરત), ડો. મુકુલ હિરજીભાઈ પટેલ (રહે.પંચવટી એપાર્ટમેન્ટ, સુરત), વિમલ નંદલાલભાઈ રાજ્યગુરૂ (રહે.સિલ્વર એપાર્ટમેન્ટ, સુરત), કરમશી મેઘજીભાઈ ધંધુકીયા (રહે.રંગદર્શન સોસાયટી, સુરત), અનિલ કરમશીભાઈ જીકાદરા (રહે.શિવછાયા સોસાયટી, સુરત) અને ચન્દ્રેશ કરમશીયાભાઈ ધંધુકીયા (રે. રંગદર્શન સોસાયટી, સુરત)) સામે ઠગાઈનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અનેક વાલીઓ પાસેથી લાખોની રકમ ઉઘરાવી કરોડોનું ફૂલેકુ

ચરોતર એજ્યુકેશન સોસાયટી સંસ્થાના નામે ચાંગામાં વાઈબ્રેન્ટ ઈન્ટરનેશનલ એકેડેમી સ્કૂલ શરૂ કરીને ‘વિદ્યાલક્ષ્મી સ્કોલરશીપ’ સ્કીમ હેઠળ અંદાજે 150થી વધુ વાલીઓ પાસેથી વગર વ્યાજની લાખોની રકમની ડિપોઝીટો પરત આપવાની શરતે ઉઘરાવી હતી. જેનો આંકડો 5 કરોડથી વધુ જેટલો થવા જાય છે. ફરિયાદી વિપુલભાઈના જણાવ્યા અનુસાર, 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરીને તમામ વાલીઓએ ડિપોઝીટો આપી હતી. તેમ છતાં પણ સંચાલકો દ્વારા આ ડિપોઝીટો પરત આપવામાં આવતી નથી. જેને લઈને આજે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

કયા કયા વાલીઓ છેતરાયાં?

પ્રિતેશકુમાર શાંતિલાલ પટેલ (રહે. ડભાણ, તા. નડિયાદ), ભરતભાઈ રાવજીભાઈ પટેલ (રહે.કાસોર, તા. સોજિત્રા), અમિતકુમાર ચંદ્રકાંતભાઈ પટેલ (રહે. કાસોર, તા. સોજિત્રા), કેતનકુમાર દિનેશભાઈ પેટલ (રહે. કાસોર, તા. સોજિત્રા), વિશાલકુમાર બીપીનભાઇ પટેલ (રહે.કાસોર, તા. સોજિત્રા), રોનકકુમાર બીપીનભાઈ પટેલ, હિતેશકુમાર જગદીશભાઈ પટેલ (રહે. સોજિત્રા), જીગરકુમાર નરેન્દ્રભાઈ પટેલ (રહે. સોજિત્રા) સહિત અન્ય વાલીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...