આંદોલન ઉગ્ર બન્યું:આણંદમાં ઇન્ટરશિપ વેટરનરી ડોક્ટર્સની લડતને સમર્થન, આખરે સિનિયર વેટરનરી ઇન્ટર્ન તબીબો હડતાળમાં જોડાયા

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યનાં તમામ વેટરનરી તબીબો કાળી પટ્ટી બાંધી વિરોધમાં જોડાયાં

આણંદ વેટરનરી ઇન્ટર્ન તબીબોનાં ઈન્ટર્નશિપ ભથ્થામાં વધારાની હડતાળનો સતત છઠ્ઠો દિવસ વીત્યો હોવા છતાં સરકાર તરફથી અત્યાર સુધી કોઈપણ સંપર્ક ન કરાતાં આખરે લમ્પી સ્કિન ડીસીઝનાં રસીકરણમાં જોડાયેલાં સિનિયર વેટરનરી ઇન્ટર્ન તબીબો પણ આ હડતાળમાં જોડાઈ ગયાં છે. જેથી LSD રસીકરણનો કાર્યક્રમ ખોરવાઈ જવાની સંભાવના ઉભી થઇ છે. વેટરનરી કોલેજ આણંદમાં આ હડતાળનાં સતત છઠ્ઠા દિવસે ઇન્ટરશિપ ડોકટરોએ હવન કરીને પશુપતિનાથને પર્શિચિકિત્સકોની સહાય કરવા પ્રાર્થનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ હડતાળને દેશભરની વેટરનરી સંસ્થાઓ દ્વારા અને જનતા દ્વારા બહોળું સમર્થન મળી રહ્યું છે માંગ ન સંતોષાતા ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉપરાંત રાજ્યનાં તમામ વેટરનરી તબીબો પણ હડતાળમાં જોડાઈ રહ્યાં છે.

સિનિયર વેટરનરી તબીબો પણ હડતાળમાં જોડાયા
દેશભરની અન્ય વેટરનરી કોલેજો રાજસ્થાન, પંજાબ અને બિહારનાં પશુચિકિત્સકો પણ હવે ગુજરાતની આ હડતાળને સમર્થન આપી રહ્યાં છે.આ સાથે જ આજથી લમ્પી સ્કિન ડીસીઝ નાં રસીકરણમાં જોડાયેલાં સિનિયર વેટરનરી તબીબો પણ હડતાળમાં જોડાઈ ગયાં હતાં. આનાથી રસીકરણ કાર્યક્રમ ખોરવાઈ જવા પામ્યો હતો. ઉપરાંત ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતાં વેટરનરી તબીબોએ પણ કાળી પટ્ટી બાંધી આ હડતાળને સાથ આપ્યો હતો. પશુચિકિત્સકોની આ લડતને રાજ્યવ્યાપી જનસમર્થન મળી રહ્યું છે.

આંદોલનએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
આણંદ વેટરનરી કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. શરૂઆતનાં દિવસોમાં કલેક્ટર દ્વારા આવેદનપત્રો મોકલવામાં આવ્યાં હતાં. સરકારે કોઈ પ્રતિભાવ ન આપતાં આંદોલનએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક વખત રેલી, ધરણાં પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. નાટક, રંગોળી દ્વારા પણ વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. પોતાની વેદના સરકાર સુધી પહોંચાડવા લોહીથી ચિહ્નિત પત્રો પણ મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિમંત્રીને મોકલાયા હતાં. આ ઉપરાંત 15 થી વધુ વેટરનરી વિદ્યાર્થીઓએ ગઈકાલે મુંડન કરવી પોતાનો રોષ અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

લમ્પી ફેલાતા પશુધન પર ખતરો
લમ્પી સ્કિન ડીસીઝનાં ઘાતક ફેલાવા વચ્ચે સરકારનાં પશુચિકિત્સકોને અવગણવાથી રાજ્યનાં બહુમૂલ્ય પશુધન પણ ખતરો અનેકગણો વધી ગયો છે. લગભગ દરેક જિલ્લામાં આ રોગ ફેલાઈ રહ્યો છે ત્યારે આ અનિશ્ચિતકાલિન હળતાળથી પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયાં છે. તો બીજી તરફ પશુચિકિત્સકો પણ પોતાની વાજબી માંગને લઈને લડી લેવાનાં મૂડમાં છે.તબીબોનાં વધતાં રોષ સામે સરકાર તુરત ધ્યાન આપી લેખિતમાં માંગ નહિ સંતોષે તો સોમવારથી ભૂખ હડતાળ પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભથ્થું રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછું
નોંધનીય છે કે રાજ્યમાં વેટરનરી ઇન્ટર્ન તબીબોને મળતું સ્ટાઈપેન્ડ ભથ્થું રૂ.4200 એ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. અન્ય રાજ્યોમાં જેમ કે પંજાબ - રૂ.18,000, રાજસ્થાન - રૂ.14,000, બિહાર - રૂ.15,000, વારાણસી - રૂ.23,500 આપવામાં આવે છે. જ્યારે ગુજરાતનું વેટરનરી ઈન્ટર્નશિપ ભથ્થું રૂ.4200 મનરેગામાં સૂચિત મજૂરોને મળતાં દૈનિક મજૂરી કરતાં પણ ઓછું હોવાનો આક્રોશ ઇન્ટરનશીપ કરતા ડોકટરો વ્યક્ત રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...