ઉનાળામાં પીવાના પાણીની બૂમો ઉઠી છે. ત્યારે ઉમાભવન પાણીની ટાંકી પાસે પસાર થતાં જીટોડિયા માર્ગ પર વાલ્વની કુંડીમાં કચરો ભરાઇ ગયેલ હોય કોઇ અજાણ્યા ઇસમોએ આગ લગાડતા પાણીની પાઇપ લાઇન લીકેઝ થઇ હતી. જેના લીધે માર્ગ પર હજારો લીટર પાણીનો વેડફાટ થતાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને પગલે સ્થાનિક વિસ્તારના 5 નળ કનેકશન ધારકોને પીવાના પાણીની અસર થઇ હતી. આખરે રહીશોએ નગરપાલિકામાં પીવાના પાણીની બાબતે ત્રણ ફરિયાદો નોંધાવતા પાલિકાની ટીમો દોડી આવી પાઇપની મરામત કામગીરી હાથ ધરી પાણીનો સપ્લાય શરૂ કર્યો હતો.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાના પાણી માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજય સરકાર દ્વારા ઉમાભવન ભવન પાસે ફિલ્ડરેશન પ્લાન બનાવવા માટે 150 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ આ પ્રોજેકટ અભરાઇ પર ચઢાવી દીધો છે. હાલમાં નગરપાલિકામાં વોટરસંપ અને પાણીની ટાંકીઓ થકી 68 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. જેના લીધે ઉનાળાની કાળઝાળ ઓછા ફોર્સથી ગરમીમાં પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.
ઉમાભવન પાણીની ટાંકીથી જીટોડિયા તરફ જવાના માર્ગ પર પાણીનો વાલ્વની કુંડી પાસે કચરો ભરાઇ ગયો હતો. કોઇ અજાણ્યા વ્યકિતઓ આગ લગડતાં પાણીની પીવીસીની પાઇપ લાઇન નુકશાન થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થતાં માર્ગ પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. જેના લીધે વાહનચાલકોને સાચવીને અવરજવર કરવાની ફરજ પડી હતી. આમ ઉમાભવન પાણીની ટાંકી પાસે પાઇપ લાઇન લીકેઝ થતાં ધીમા પ્રેશરથી પાણી આવતા રહીશોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો.
આ અંગે આણંદ નગરપાલિકાના પાણી વિભાગના ફરિયાદ કેન્દ્રના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમાભવન પાસે પાણીની પાઇપ લાઇન લીકેઝ થતાં પાણીનો વેડફાટ થતો હોવાથી સ્થાનિક રહીશો દ્વારા ચીફ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી હતી. આથી પાલિકાની ટીમોએ તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરી હતી. વળી, બીજી તરફ વિદ્યાનગર રોડ પર પાણીનો ફોર્સ ઓછો આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ ગુજરાતી ચોક ખાટકીવાડ પાસે પાણીની લાઇન લીકેઝ હોવાની રહીશોએ પાલિકામાં ફરિયાદ કરી હતી.
પાઇપ લાઇનની ટીમોએ તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરી હતી
ઉમાભવન જીટોડિયા રોડ પર પાણીની પાઇપ લાઇન પાસે વાલ્વ મુકવામાં આવ્યો હતો.જેમાં કોઇ અજાણ્યા ઇસમોએ આગ લગાડતાં વાલ્વમાં પીવીસીની પાઇપ હોય પાઇપ લીકેઝ થઇ ગઇ હતી. આથી રહીશોની ફરિયાદના પગલે તાત્કાલિક ધોરણે ટીમોે દ્વારા મરામતની કામગીરી હાથ ધરીને પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો હતો.> સુમિત્રાબેન પઢિયાર, ચેરમેન, વોર્ટસ વર્કસ વિભાગ, નગરપાલિકા આણંદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.