તારાપુરના જીંચકા ગામે ડાંગરના પરારની ગાસડીઓમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. ત્યારે 7 હજારથી વધુ ગાસડીઓ બડીને ખાખ થતાં પશુપાલકોને નુકશાન ભોગવવાનો વખત આવ્યો છે. જો કે આગ લાગતાં સ્થાનિક રહિસોએ આણંદ ફાયરબ્રિગેડ સહિત 108ને સંપર્ક કર્યા છતાં નહીં ફરકતાં આખરે ખંભાત નગરપાલિકાનું ફાયરફાઇટર ઘટનાસ્થળે આવી પહોંચી આગપર કાબુ મેળવતાં પશુપાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
જીંચકા ગામે એક ખેડૂતના ખેતરમાં શનિવાર વહેલી પરોઢીએ એકાએક ડાંગરના પરારની ગાસડીઓમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. જો કે આગ લાગતાં ફાયરબ્રિગેડ સહિત 108ની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. છતાં પણ આણંદ ફાયરબ્રિગેડ નહીં ફરકતાં આખરે ખંભાત પાલિકા ફાયરબ્રિગેડને જણ કરતાં ટીમો દોડી આવી 10 હજાર લીટર પાણીનો મારો ચલાવીને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તારાપુર તાલુકાના 42 ગામડાઓ ધરાવતા આખા તાલુકામાં એક પણ ફાયરસ્ટેશન વ્યવસ્થા નહીં હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આથી સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય સહિત વહીવટીતંત્રએ તારાપુર બગોદાર રોડ પર નવું ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે તેવી માંગ જનતામાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.