બાલાસિનોર ખાતે રસ્તે રઝળતો અને ગુપ્તાંગના ભાગે કેન્સરની ગાંઠથી પીડાતો ઘોડો મળી આવ્યો હતો. જે બાલાસિનોર અને ત્યારબાદ ગોધરાની પશુઓ માટે કામ કરતી પાંજરાપોળ સંસ્થા દ્વારા તેને આણંદની વેટરનરી કોલેજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેનું ત્રણ કલાક સુધી સફળતાપૂર્વક ઓપરેશન કરી આશરે 2 કિલો 900 ગ્રામ જેટલી મોટી ગાંઠ દૂર કરાઈ હતી.
સમગ્ર બનાવની હકીકત અંગે વાત કરતાં કોલેજના પ્રિન્સીપાલ પીનેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, બાલાસિનોર ખાતે ગંભીર બીમારીથી પીડાતો બિનવારસી(કોઈ માલિક દ્વારા ત્યજી દેવાયેલો) આ ઘોડો બજારમાં ફરતો હતો. જેને બાલાસિનોર ખાતે શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટનું જીવદયાનું કામ કરતા સેવાભાવી કાર્યકર જનકભાઈ શાહે અન્ય વ્યક્તિઓના સહયોગથી ભારે જહેમત બાદ પકડીને પરવડી(ગોધરા) મોકલી આપ્યો હતો.
પરવડી પાંજરાપોળ ખાતે આવેલા ઘોડાનું તજજ્ઞ ડૉકટરો પાસે નિદાન કરાવતા તેઓએ ઘોડાને પેશાબ કરવાની જગ્યાએ કેન્સરની મોટી ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું. વધુમાં ગાંઠને દૂર કરવા ઓપરેશન કરવું પડશે અને તે આણંદ વેટરનરી ખાતે જ થઈ શકે તેમ જણાવ્યું હતું. જેને પગલે ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ શેઠ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે 1 ડૉક્ટર તથા 3 હેલ્પર સાથે તેને આણંદ ખાતે રવાના કર્યો હતો. જ્યાં તેનું ત્રણ કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક ઓપરેશન કરી ઘોડાનો જીવ બચાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.