રજૂઆત:પેટલાદના પીપળાવ અને નાર પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં મેડીકલ ઓફિસરની કાયમી નિમણૂંક આપવા રજૂઆત કરાઇ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી તબીબની જગ્યા ખાલી હોવા અંગે સોજીત્રા ધારાસભ્ય પૂનમભાઇ પરમારની આરોગ્ય મંત્રીને રજૂઆત

પેટલાદ તાલુકાના નાર અને સોજીત્રા તાલુકાના પીપળાવ ગામમાં આવેલ પી.એચ.સી. સેન્ટરમાં ઘણા લાંબા સમયથી મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને જરુરી આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ થતી નથી. આ અંગે ગ્રામજનોની રજૂઆતના પગલે ધારાસભ્ય પુનમભાઈ પરમારે રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી બન્ને પી.એચ.સી. સેન્ટરમાં મેડિકલ ઓફિસર નિમણૂંક કરવાની માંગણી કરી છે.

સોજીત્રા તાલુકામાં આવેલ ડભોઉ અને દેવા તળપદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળાવ, કાસોર, ત્રંબોવાડ, ઈસણાવ, વિરોલ, કોઠાવી વગેરે ગામથી 10 થી 12 કિ.મી.ના અંતરે આવેલ છે. પીપળાવથી ત્રણ કિ.મી. દૂર આવેલ પેટલાદ તાલુકાના પાળજ અને સુણાવ ગામમાં પણ પી.એચ.સી. સેન્ટરનો અભાવ વર્તાઈ રહ્યો છે. જેથી પીપળાવ ગામમાં પી.એચ.સી. સેન્ટર ખોલવામાં આવે તો આજુબાજુના પાંચથી છ ગામના લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ થાય તેમ હોઈ સ્થાનિક લોકોની વર્ષોની રજૂઆત બાદ ત્રણેક વર્ષ અગાઉ પીપળાવમાં પી.એચ.સી. સેન્ટર કાર્યરત કરાયું છે. પરંતુ પી.એચ.સી. સેન્ટરમાં મેડિકલ ઓફિસરના બદલે ઈન્ચાર્જ મેડિકલ ઓફિસરથી કામ ચલાવવામાં આવે છે. જેથી બપોર પછી આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ થતી નથી એટલે કે બિલકુલ ઠપ્પ થઈ જાય છે.

આવી જ સ્થિતિ પેટલાદ તાલુકાના નાર પી.એચ.સી. સેન્ટરની છે. નારની આજુબાજુના રૂણજ, પલોલ, રામોદડી, માણેજ, આમોદ, સિલવાઈ વગેરે ગામના લોકોને નજીકમાં આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા જવાની ફરજ પડી રહી છે.

આ અંગે ગ્રામજનોને પડતી તકલીફ દૂર કરવા સોજીત્રાના ધારાસભ્ય દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરીને નાર અને પીપળાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની નિમણૂંક કરવાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...