વિદ્યાર્થીઓ રોષે ભરાયાં:કઠાણા દિલ્હી ચકલા પાસે ST બસ ન ઊભી રહેતા છાત્રોએ પરચો બતાવ્યો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કઠાણા ગામે વિદ્યાર્થીઓ  એસટી બસ રોકીને હોબાળો મચાવતા મુસાફરો અટવાયા હતા. - Divya Bhaskar
કઠાણા ગામે વિદ્યાર્થીઓ એસટી બસ રોકીને હોબાળો મચાવતા મુસાફરો અટવાયા હતા.
  • ધુવારણ-ધોળકા બસને અટકાવતા મુસાફરો અટવાયા

બોરસદ તાલુકાના કઠાણા ગામે દિલ્હી ચકલા બસ સ્ટેન્ડે સ્ટોપેજ હોવા છતાં એસ.ટી બસ ઉભી ન રાખતા બોરસદ -આણંદ આવતા વિદ્યાર્થીઓએ સોમવારે બસ અટકાવીને પોતાનો પરચો બતાવ્યો હતો. બસના ડ્રાઇવર-કડંકટરે આ અંગે બોરસદ એસટી કંટ્રોલ પોઇન્ટ અને આણંદ ડેપોને જાણ કરી હતી. પરંતુ ત્યાંથી કોઇ જ સહકાર નહીં મળતાં એસટી બસના ડ્રાઇવર અને કંડકટરને દિલ્હી ચકલા સ્ટેન્ડે રોકાઇ જવાની ફરજ પડી હતી.

બોરસદના કઠાણા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આણંદ, વિદ્યાનગર અને બોરસદ ખાતે નિયમિત અપડાઉન કરે છે. કઠાણા દિલ્હી ચકલા બસ સ્ટેન્ડે સ્ટોપેજ આપવામાં આવ્યું હોવા છતાં બોરસદ આણંદ તરફ આવતી એસટી બસોના ડ્રાઇવર કંડકટર બસ ઉભી રાખતા નથી. જેને લઇને વિદ્યાર્થીઓને ખાનગી વાહનો ઉપયોગ કરવો પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. એસટી બસનો પાસ કઢાવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને પૈસા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. ધુવારણથી આવતી એસટી બસ ધુવારણ અને વચ્ચે આવતા ગામોના વિદ્યાર્થીઓ અને મુસાફરોથી ભરચક બની જાય છે.

ધુવારણથી ઉપડેલી ધુવારણ- ધોળકા બસ દિલ્હી ચકલા બસ સ્ટેન્ડે આવે તે પહેલાં જ ભરચક થઈ ગઈ હતી. જેથી એસટી બસના ડ્રાઈવરે બસ દિલ્હી ચકલા સ્ટેન્ડે ઉભી રાખી ન હતી. જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગ્રામજનોની મદદથી બસની આગળ ફરી વળીને બસને રોડ વચ્ચે ઉભી કરી દેવાની ફરજ પાડી હતી. આ અંગે બોરસદના ડેપો મેનેજરને લેખિતમાં પણ રજૂઆત કરી હોવા છતાં કોઈપણ જાતનું ધ્યાન અપાયું ન હોય સોમવારે વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતા.

વિદ્યાર્થીઓને બોરસદ અને આણંદ અભ્યાસ કરવા જવામાં તકલીફ પડી રહી છે
કઠાણા ગામના સરપંચે આ અંગે જણાવ્યું હતું કે કઠાણા અને કઠાણા સ્ટેશન ખાતે એસ.ટી બસ ઉભી ન રહેતા અભ્યાસ અર્થે બોરસદ અને આણંદ જતા વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે .આ અંગે અમોએ અગાઉ એસટી ડેપોને રજૂઆત કરી હોવા છતાં વિદ્યાર્થીઓના પ્રશ્નનું નિરાકરણ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...