તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:અદ્દલ ગરૂડ જેવું દેખાતું પક્ષી બનાવ્યું આણંદના વિદ્યાર્થીઓએ, 70 કિ.મી.ની સ્પીડે ઉડે છે 2 ફૂટનું આ પક્ષી

આણંદ2 મહિનો પહેલા
  • રિમોટ કંટ્રોલની મદદથી ઊંચાઈ અને ગતિ પર કંટ્રોલ રાખી શકાય છે
  • અંદર હાઈ રીઝોલ્યુશન વાળા કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા
  • SVITના એરોનોટિકલ વિભાગના વિદ્યાર્થીઓએ પક્ષી બનાવ્યું

એસવીઆઈટી-વાસદ કોલેજ તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સવિશેષ જાણીતા છે. અહીંના એરોનોટિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિનય દરજી, ધ્રુહિલસિંહ રાજપૂત તથા દિવ્યરાજસિંહની ટીમે એરોનોટિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો.ધ્રુવિન શાહ તથા કેપ્ટન ઉમંગ જાનીએ તેમને માર્ગદર્શનમાં રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પક્ષી ની જેમ પાંખો ફેલાવીને ઊડતું એક પક્ષી (વિમાન) તૈયાર કર્યું છે.

આ અંગે ની વિશેષતા જોઈએ તો પક્ષીઓની જેમ પાંખો ફેલાવીને ઉડતા આ પ્રકારના વિમાનને ઓર્નિથોપ્ટર (મિકેનિકલ બર્ડ) કહે છે.બર્ફીલા પ્રદેશોમાં વિશેષ જોવા મળતા ગરુડની કદ, કાઠી તથા શારીરિક સંરચના ને ધ્યાનમાં રાખીને સર્વપ્રથમ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આ મિકેનિકલ બર્ડ ની પાંખો નો ઘેરાવો 4 ફૂટ, લંબાઈ 2 ફૂટ અને વજન માત્ર 350 ગ્રામ રાખવામાં આવી છે જે અંગે ઘણું રિચર્ચ કરી આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આ પક્ષી (વિમાન) 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઊડી શકે છે. તેની અંદર હાઈ રીઝોલ્યુશન વાળા કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આ મિકેનિકલ બર્ડ ને ઉડાવવા માટે લીથીયમ પોલીમર બેટરીનો ઉપયોગ કરાયો છે. શરીરનો મુખ્ય ભાગ (વચ્ચેની બોડી) અત્યંત હલકા એવા વિશેષ પ્રકારના પ્લાસ્ટિક થી બનાવી છે. તેની પાંખો સહેલાઇથી મૂવમેન્ટ કરી શકે તે હેતુથી નાયલોન ફેબ્રિકનો ઉપયોગ કરાયો છે.આ ઉપરાંત આંતરિક માળખું કાર્બન ફાઇબર ની અત્યંત હલકી ટ્યુબો માંથી બનાવેલી છે.

નોંધનીય બાબત છે કે આ પક્ષી ને ઉડવા માટે રન-વે ની જરૂર પડતી નથી માત્ર હાથ થી હવા માં અધ્ધર ઉપરની બાજુ આગળ તરફ ફેંકતા જ તે સરળતાથી હવામાં ઉડી શકે છે. ત્યારબાદ રિમોટ કંટ્રોલ દ્વારા તેની ઊંચાઈ અને ગતિ ને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય છે.જેમ તેમ ફેરવી પણ શકાય છે.

આ અંગે કેપ્ટન ઉમંગ જાની નું કહેવું છે કે આ મિકેનિકલ પક્ષીની ઊડાન એક પક્ષી જેવી જ શાંત અને ઊંચી હોય છે.આ પક્ષી ના નિર્માણ માટે પહેલાં ગરુડ પક્ષી ની શારીરિક સંરચના ને ધ્યાનમાં લઈને ડિઝાઇન ઉપર ખૂબ મહેનત કરી તૈયાર કરાયું છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો.ધ્રુવિન શાહ નું કહેવું છે કે કુદરત અને આધુનિક વિજ્ઞાનનુ આ એક અદ્ભૂત સમન્વય છે. જેને વિદ્યાર્થી વિનય દરજી અને તેની ટીમે ખૂબ કુનેહપૂર્વક અને આધુનિક બુધ્ધિ થી નિર્માણ કરાયું છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી છે સફળતા ના રૂપે તેમને તેમના પરિશ્રમનો ફળ મળ્યો છે.

વિનય દરજી નું કહેવું છે કે ધ્રુવીન શાહ અને ઉમંગ જાની સર તરફથી તેમની આઈડિયા થી લઈને પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યાં સુધી સતત પ્રોત્સાહન અને ટેકનીકલી શું ધ્યાનમાં રાખવાનું તે અંગેનું સંપૂર્ણ સહકાર મળ્યો છે અને કોલેજ SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી) સેલ તરફથી ફંડીગ પણ મળી જેના લીધે આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થઈ શક્યો છે.આ પ્રકારના ડ્રોનનો ઉપયોગ જાસૂસી જેવા સૈન્ય હેતુ માટે, જટિલ અને ઉચ્ચ જોખમવાળા વાતાવરણમાં પક્ષીઓને કાબૂમાં રાખવા માટે થાય છે.

એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ, ડિન આર. એન્ડ ડી. પ્રો. ડૉ. પી. વી. રમના દ્વારા ધ્રુવીન શાહ અને ઉમંગ જાની ના માર્ગદર્શનમાં જે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે તેમને આ વિશિષ્ટ સિધ્ધિ બદલ બિરદાવ્યા અને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...