ઓડિયો વાઇરલ થતાં વિવાદ:SP યુનિ. વિદ્યાર્થીએ કહ્યું, ‘સાહેબ, પરીક્ષા ક્યારથી છે?’, VC બોલ્યા - કેમ ભૂપેન્દ્ર પટેલ કે પછી શિક્ષણમંત્રીને ન પુછાય?

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • SP યુનિ.માં વાઈસ-ચાન્સેલર અને વિદ્યાર્થી વચ્ચેનો પરીક્ષા બાબતનો ઓડિયો વાઇરલ થતાં વિવાદ

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં તાજેતરમાં પરીક્ષા બાબતે વિદ્યાર્થી અને વાઈસ ચાન્સેલરની વાતચીતનો એક મિનિટ અને 10 સેકન્ડનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. જેને પગલે શિક્ષણસંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સમગ્ર ઓડિયોમાં વિદ્યાર્થી વાઈસ ચાન્સેલરને પરીક્ષા બાબતે પૂછપરછ કરતો હોય છે પરંતુ તેમાં વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીને કેમ ભૂપેન્દ્ર પટેલ કે પછી શિક્ષણમંત્રીને ન પૂછાય તેમ કહ્યું હતું. જોકે, વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીને તું કઈ કોલેજમાં અભ્યાસ કરે છે તેમ કહેતાં જ વિદ્યાર્થીએ હવે હું ભૂપેન્દ્રભાઈને પૂછીશ તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. સમગ્ર મામલે હાલ વિવાદ સર્જાયો છે. જેમાં વિડિયો બાબતને લઈને સ્પુઆટાના પ્રમુખે પટેલ સમાજનું અપમાન ગણાવ્યું છે. જ્યારે વાઈસ ચાન્સલરે મુખ્યમંત્રીનું ક્યાંય અપમાન થયું નથી તેમ કહ્યું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત પહેલી નવેમ્બરથી યુનિવર્સિટીનું 21 દિવસનું વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ એ અગાઉ 17મીથી પરીક્ષા શરૂ થતી હતી. પરંતુ બાદમાં 21 દિવસનું વેકેશન જાહેર કરાતાં પરીક્ષા મુલત્વી રાખીને 23મીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

વિદ્યાર્થી અને વીસી વચ્ચેનો ઓડિયો અહીં રજૂ કરાયો છે

વિદ્યાર્થી : હેલો..

વીસી : હેલો..

વિદ્યાર્થી : હેલો.. વીસી સાહેબ બોલો છો..

વીસી : હા…

વિદ્યાર્થી : હા, સર હું એમ કહું છું કે 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે પછી પરીક્ષા..

વીસી : પોસ્ટપોન થઈ છે..

વિદ્યાર્થી : હે..

વીસી : પોસ્ટપોન થઈ છે.. સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટી વેબસાઈટ પર મુકાશે.. બોલ હવે..

વિદ્યાર્થી : હા બસ.. એ જ પૂછવું હતું…

વીસી : કેમ તમે ભૂપેન્દ્ર પટેલ કે પછી શિક્ષણમંત્રીને ન પુછાય.. તમારી કોલેજમાં કેમ નથી પૂછતા… તું કંઈ કોલેજમાં ભણે છે એ કહે મને…

વિદ્યાર્થી : આ તો પરીક્ષા બાબતના નિર્ણય તમારા દ્વારા લેવાય છે ને એટલે... (વીસી અનુત્તર રહ્યા)

વિદ્યાર્થી : હવે હું ભૂપેન્દ્રભાઈને પૂછીશ..

આમ કહીને વિદ્યાર્થીએ પોતાનો ફોન કટ કરી દીધો હતો.

પટેલ મુખ્યમંત્રીનું અપમાન છે
સમગ્ર ઓડિયોમાં ‘પેલા મુખ્યમંત્રી…’ એવું વાઈસ-ચાન્સેલર દ્વારા બોલવામાં આવે છે, જેને પગલે પદની કોઈ ગરિમા જળવાઈ નથી. આ પટેલ મુખ્યમંત્રીનું અપમાન છે અને અમે લોકો આ બાબતે રજૂઆત કરી માફી માંગવાની માંગ કરીશું. આ ઓડિયો શિક્ષણમંત્રીને પણ મોકલવામાં આવ્યો છે. > એચ.ડી. પટેલ, સ્પુઆટા, પ્રમુખ

સમગ્ર ઓડિયોમાં મુખ્યમંત્રીનું અપમાન ક્યાં આવ્યું?
પહેલી વાત તો એ છે કે, મારો નંબર આ રીતે કેટલાંક લોકોને આપીને પછી મને ફોન કરાય છે. એ પછી આ પ્રકારના ઓડિયો વાઈરલ કરાય છે. યુનિવર્સિટીમાં 65 હજાર વિદ્યાર્થી છે અને દરેક જણ જો આ રીતે મને ફોન કરશે તો પછી હું કામ ક્યારે કરીશ. જોકે, આમ છતાં પણ એક હકારાત્મક બાબત એ છે કે હું વિદ્યાર્થીઓના ફોનના જવાબ આપું છું. મેં એ વિદ્યાર્થીને કહ્યું પહેલાં તમે તમારી કોલેજ-સંસ્થામાં પૂછો. સીધી રીતે મને પૂછો છો એ કેવી રીતે ચાલે ? અને જ્યાં સુધી મુખ્યમંત્રીના અપમાનની વાત છે ત્યાં સુધી હું તેમનું અપમાન કેવી રીતે કરૂં. તેમનું અપમાન કરૂં તો મારૂં સન્માન ન રહે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...