ઉનાળુ ખેતીપાકનું ઠેર ઠેર ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે.ત્યારે આગામી 20મી માર્ચથી આણંદ જિલ્લામાં પસાર થતી કેનાલમાં પાણી નહીં છોડવાનો સિંચાઇ વિભાગે નિર્ણય કર્યો છે. નહેરોમાં સાફસફાઇ સહિત મરામતની કામગીરી હાથધરવામાં આવનાર હોવાથી 15મી જૂન બાદ પાણી છોડવામાં આવશે. જેના લીઘે હજારો ખેડૂતોને ખેતીપાક બચાવવા માટે આમ તેમ ભટકવાનો વખત આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉનાળાની ગરમીએ દિનપ્રતિદિન પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આણંદ જિલ્લામાં ઉનાળુ ખેતી બાજરી, ડાંગર, કઠોડ , શાકભાજી સહિત અન્ય ખેતી પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 22 હજાર હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. છતાં પણ મહી સિંચાઇ વિભાગ દ્વારા ત્રણ માસ સુધી નહેરોમાં પાણી નહીં છોડવાનો નિર્ણય કર્યો છે.આખરે ખેડૂતોને મોંઘાદાટ કુવાના પાણી લઇને ખેતીપાક બચાવવામાં વારો આવ્યો છે.
આ અંગે આણંદ ખેડા જિલ્લા સિંચાઇ વિભાગના નિરવ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી 20મી માર્ચથી નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવશે. આ સમય દરમિયાન નહેરોમાં લીકેજ, મરામત, ગરનાળાનું સમારકામ વગેરે કામગીરી હાથધરાશે. 15 જૂન પછી નહેરોમાં પાણી છોડવામાં આવનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.