પોલીસના ધાડેધાડા ઉતર્યા:ખંભાતના શક્કરપુરમાં જૂથ અથડામણ, ખંભાતના એક વ્યક્તિનું મોત; તોફાની તત્વોએ આગ ચાંપી

આણંદ4 મહિનો પહેલા
  • ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી
  • પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી

આજે દેશભરમાં રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખંભાત અને હિમ્મતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આણંદમાં સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા છે. બે જૂથમાં થયેલી અથડામણમાં એકનું મોત થયું છે. ખંભાતના રાણા ચકલામાં રહેતા કનૈયાલાલ રાણાનું પથ્થરમારામાં ઘાયલ થવાથી મોત થયું છે.

ટોળાએ દુકાનોમાં આગ ચાંપી
આણંદના ખંભાતમાં સ્થિતિ વણસી રહી છે. શહેરના મુખ્ય બજારમાં દુકાનોમાં આગ ચાંપી બનાવોએ પોલીસને દોડતી કરી છે. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે.

પથ્થરમારો થતા મામલો બીચક્યો.
પથ્થરમારો થતા મામલો બીચક્યો.

પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી
આણંદના ખંભાતમાં સકકરપુર વિસ્તારમાં પથ્થરમારો થતા કોમી વાતાવરણ ડોહડાયું છે. અહીં રામનવમી નિમિતે નીકળેલ શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતા મામલો બીચકયો છે. જોકે, પોલીસે કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ બનાવની અસર જિલ્લામાં અન્ય શોભાયાત્રા ઉપર ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી.

શોભાયાત્રા 500 મીટર દુર પહોંચી ત્યાં જ પથ્થરમારો
ખંભાત શહેરના શક્કરપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરે રવિવારે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે બપોરના સુમારે મંદિરમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જોકે, આ શોભાયાત્રા હજુ 500 મીટર દુર પણ પહોંચી નહતી, તે દરમિયાન રસ્તામાં આવતી દરગાહ નજીકથી પસાર થતા પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ સમયે હાજર પોલીસ ટીમે પરિસ્થિતિને કાબુમાં લેવા કોશીષ કરી હતી. પરંતુ તે પહેલા બન્ને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આથી, તુરંત જિલ્લા કંટ્રોલરૂમમાં જાણ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, હેડક્વાટર્સ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તુરંત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્ત યુવક
ઈજાગ્રસ્ત યુવક

આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણે જણાવ્યું હતું કે, ખંભાતમાં પથ્થરમારાનો મેસેજ મળતાં જ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના પગલે હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલાં ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શોભાયાત્રા દરમિયાન ડીજે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ બંદોબસ્ત પુરતો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

સંવેદનશીલ એવા ખંભાતમાં બે વર્ષ બાદ પુન: તોફાન થયા
આણંદ જિલ્લામાં ખંભાત તાલુકો કોમી તોફાનને લઈને સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે. સામાન્ય રીતે અકબરપુર, ભોઈબારી, બાવાબાજીશા સહિતના વિસ્તારોમાં હિદું-મુસ્લિમ કોમ સાથે-સાથે રહે છે. બંને કોમ શ્રમજીવી છે અને તેમનો મુખ્ય વ્યવસાય પતંગનો છે. વર્ષ 2020માં 23મી ફેબ્રુઆરીએ વિસ્તારમાં બંને કોમ વચ્ચે માથાકૂટ થઈ હતી. એવું કહેવાય છે કે, બંને કોમ શ્રમજીવી છે અને ઉત્તરાયણ પૂરી થયા બાદ બંને કોમ વચ્ચે ધંધાને લઈને હોય કે પછી અન્ય કોઈ બાબતે પણ નજીવી બાબતે નાની-મોટી માથકુટ થતી રહેતી હોય છે. અને તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે. જોકે, કોરોના અને ત્યારબાદ પોલીસ દ્વારા પણ સઘન કાર્યવાહી કરવામાં આવતા છેલ્લાં બે વર્ષ દરમિયાન શાંતિ રહી હતી.

આણંદ જિલ્લામાં પાંચ દિવસમાં બીજું તોફાન
પેટલાદ તાલુકાના બોરીયા ગામે ગત મંગળવારે રાત્રે નમાઝના સમયે મસ્જિદ પાસેથી પસાર થતાં માતાજીનો રથ ડીજે સાથે નીકળતાં નમાઝના સમયે બંધ કરવાનું કહેતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં ચારેક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પેટલાદ પોલીસે પંદરથી વધુ લોકોની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, આણંદ જિલ્લામાં પાંચ જ દિવસમાં બીજું તોફાન થતાં પોલીસ કાર્યવાહીને લઈને પણ તર્ક વિતર્ક સર્જાયા છે.

ગુપ્તચર તંત્ર ઊંઘતું ઝડપાયું
સૂત્રોના જણાવ્યા અનુસાર, રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળવાની હોય છમકલાં થવાની આશંકા સેવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, છેલ્લાં ચારેક દિવસથી તોફાન થવાની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. પરંતુ સમગ્ર મામલે આણંદ જિલ્લા પોલીસનું ગુપ્તચર તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

હિંમતનગરમાં પણ પથ્થરમારો
બીજી તરફ સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે.

હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો.
હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો.

બીજી તરફ હિંમતનગર અને ખંભાતમાં બનેલી ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠક રાત્રે 11:30 કલાકે યોજાશે. બેઠકમાં રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. સાબરકાંઠા અરવલ્લી અને આણંદના એસ.પી સાથે વીડિયો કોન્ફરન્સથી સમગ્ર ઘટના અંગે માહિતી અને પરિસ્થિતિનો ચિતાર મેળવશે.

અન્ય સમાચારો પણ છે...