ઉનાળા સિઝનમાં આણંદ સિંચાઇ વિભાગે નહેરોમાં પાણી છોડવાનું બંધ કર્યું છે. ત્યારે ચોમાસા સિઝન પહેલા વરસાદી પાણીનો ખંભાતના દરિયામાં વહેલી તકે નિકાલ થઈ શકે તેવા હેતુથી ઝુંબેશ હાથ ધરી સર્વે મુજબ કાંસની કામગીરી 50 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. કેનાલોની મરામતની કામગીરી ચોમાસા પહેલા પુર્ણ કરી દેવાશે.
ચોમાસામાં વરસાદ પડવાની સાથે પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત નહીં રહે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેર સહિત જિલ્લાભરમા નાના મોટા 50 થી વધુ કાંસ આવેલા છે. તેમજ કેનાલો 700 કિમીના અંતર ફેલાઇ હોવાથી ખેડૂતો ખેતી કાર્યમાં પાણી લઈ શકે તેમ છે.
જ્યારે બીજી તરફ ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જાય તેવા સંજોગોમાં કાંસ, કેનાલો થકી ખંભાતના દરીયા કિનારે વહેતુ થાય તેવી વ્યવસ્થા કરવામા આવી છે. ત્યારે આણંદ જિલ્લા સિંચાઇ વિભાગ દ્વારા કેનાલોના સમારકામ તેમજ કાંસની સાફસફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તેના ભાગરૂપે હાલમાં 51 કેનાલો અને 24 કાંસની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જે મુજબ આણંદ શહેરના વરસાદી પાણીના નિકાલ માટે આવેલા મુખ્ય કાંસ કનોડ તળાવથી કરમસદ થઇને જોળ - વડતાલ તરફના કાંસની સફાઇની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
જયારે ગ્રામ્ય વિસ્તાર વિશાખા કેનાલોમા ઝાંડીઝાંખરા દુર કરીને ગાબડા પુરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઇનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેના કારણે આવનાર ચોમાસુ સિઝનમાં વરસાદી પાણી ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય તેમ આણંદ જીલ્લા સિંચાઇ વિભાગના અધિકારી એમ.પી.ગંભીરકર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.