તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં સામૂહિક આપઘાત:હજુ ત્રણ દિવસ પહેલાં બનેવીને દેવું થયાની વાત કરી હતી, પતિએ મકાન વેચી દેવું ભરપાઈ કરવાની ખાતરી આપી હતી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે સવારે એક જ ઘરમાંથી બે અર્થી ઉઠતાં શહેરીજનોની આંખો ભરાઈ ઉઠી હતી. - Divya Bhaskar
શુક્રવારે સવારે એક જ ઘરમાંથી બે અર્થી ઉઠતાં શહેરીજનોની આંખો ભરાઈ ઉઠી હતી.

પોલીસે પુત્રી તૃષ્ટીનું આણંદની ખાનગી હોસ્પિટલ ખાતે ડાઈંગ ડિક્લેરેશન લીધું હતું. જેમાં પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પોતાના પિતાને છેલ્લા કેટલાક સમયથી ધંધામાં દેવું થઈ જવાના કારણે પરીવાર છેલ્લાં દસ માસથી ખુબ જ આર્થિક સંકડામણ અનુભવતો હતો. તેના કારણે જ પોતે, પોતાની માતા અને ભાઈએ કોઈપણ જાતના દબાણ સિવાય કે જબરદસ્તી સિવાય જાતે જ દવા પાણીમાં નાખીને પી લીધી હતી. આર્થિક સંકડામણને લઈને પતિ-પત્ની વચ્ચે ચર્ચાઓ થતી હતી.

પરિવારની ફાઇલ તસવીર
પરિવારની ફાઇલ તસવીર

પીએસઆઈ નાગોરીએ જણાવ્યું હતું કે, પતિએ અનેક વખત પત્નીને સાંત્વના આપી મકાન વેચીને પણ દેવું ભરપાઈ કરી દઈશું તેવી ખાતરી આપી હતી. પત્ની ટીનાબેને ત્રણેક દિવસ અગાઉ તેમના બનેવીને ફોન કરીને નાણાંની ખૂબ જ તકલીફ હોવાની અને ખૂબ જ આર્થિક સંકડામણ અનુભવતા હોઈ જણાવી આપઘાતના વિચારો આવતા હોવાનું જણાવ્યું હતું.

ભાઈ અને માતાના મોતથી તૃષ્ટિ અજાણ
ઘરમાં પિતાની ગેરહાજરીમાં માતા અને બંને સંતાનોએ પાણી સાથે ઝેરી દવા ખાઈ લીધી હતી. જોકે, બાદમાં પુત્રીએ પિતાને ફોન કરીને ઝેરી દવા ખાધી હોવાની જાણ કરી હતી. તાબડતોડ દોડી આવેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન માતા ટીના અને ભાઈ મીતનું મોત થયું હતું. એક જ પરિવારમાંથી બેના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, હાલમાં હોસ્પિટલ બિછાને સારવાર હેઠળ રહેલી તૃષ્ટિને એ વાતની જાણ જ નથી કે, હવે દુનિયામાં તેની માતા અને ભાઈ રહ્યા નથી.

અનાજમાં મૂકવાની દવા ખાઈ આપઘાત કર્યો
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા પ્રકાશભાઈને રૂપિયા 30થી 35 લાખનું દેવું હતું. લોકડાઉનને પગલે તેમના ધંધાને આર્થિક રીતે ફટકો પડ્યો હતો. કોઈ પણ પ્રકારની આવક ન થતાં આખરે પરિવાર આર્થિક ભીંસ અનુભવતો હતો. અને તેને કારણે જ ઘરમાં અનાજમાં મૂકેલી દવા ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું. આમ, અનાજમાં મૂકવાની દવા ખાઈને આપઘાત કર્યો હતો.

13 દિવસમાં સામુહિક આપઘાતની બીજી ઘટના
આણંદ શહેરમાં સામુહિક આપઘાતની છેલ્લાં 13 દિવસમાં બીજી ઘટના બની છે. ગત 22 ફેબ્રુઆરીએ રાસનોલ ગામે પણ પતિ, પત્ની અને સાળાના ગળે ફાંસો ખાઈ સામુહિક આપઘાતની ઘટનામાં બહેન મમતાબેન અને તેઓના ભાઈ અશોકભાઈનુ મોત નીપજ્યું હતું. જોકે, પતિએ પત્નીએ ના પાડતાં ફાંસો ન ખાતાં બચાવ થયો હતો. જેને ખંભોળજ પોલીસે ઘટનાના ત્રણ દિવસ બાદ સારસા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આમ, એ દિવસે ઘટના બની એના 13 દિવસ બાદ ગુરૂવારે પુન: સામુહિક આપઘાતની ઘટના બની હતી.

મારે હાલમાં કંઈ કહેવું નથી : પ્રકાશભાઈ શાહ
સમગ્ર ઘટના બાબતે પ્રકાશભાઈ શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં હું કંઈ બોલી શકવા કે કહી શકવાની સ્થિતિમાં નથી. મારા ઘરના બે લોકોને મેં ગુમાવ્યા છે. મારાથી એથી વિશેષ કંઈ કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...