પ્રદેશ પ્રમુખે સરકારની પોલ ખોલી:આણંદના સારસામાં આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું- 'સરકારી બજેટ મર્યાદિત હોવાથી નિર્માણ થનારા ભવન થોડા તકલાદી હોય છે'

આણંદએક મહિનો પહેલા
  • પાટીલના નિવેદનના કારણે કાર્યક્રમમાં હાજર લોકો આશ્ચર્યમાં મુકાયા
  • સી.આર.પાટીલના હસ્તે સારસા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામા આવ્યું

મર્યાદિત સરકારી બજેટમાં થતા ગ્રામ પંચાયતના ભવનોના કામ થોડા તકલાદી થતા હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સ્વીકાર કરી સરકારી કામોમાં ચાલતી પોલ ખોલી નાખી છે. આણંદના સારસા ગામમાં 60 લાખથી વધુના લોકફાળાથી નિર્માણ કરાયેલા ગ્રામ પંચાયત ભવનનું સંત સમિતિના અધ્યક્ષ અવિચદાસજી મહારાજ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરવામા આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા પાટીલે તકલાદી કામ અંગેનું નિવેદન આપ્યું હતું.

સરકારી ભવનના કામ તકલાદી થતા હોવાનો સ્વીકાર
સારસા ગામે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી.આર. પાટીલે દાતા પરિવારની ગામ પ્રત્યેની લાગણી તેમજ ઉદાર સખાવતને વધાવી અને બિરદાવી હતી. પોતાના સંબોધન દરમિયાન પાટીલે સરકારી ભવનોના તકલાદી કામોને લઈ કરેલા નિવેદનને લઈ સરકારી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે સરકારમાંથી વ્યવસ્થા ઉભી કરતાં હોય છે,ત્યારે મર્યાદિત બજેટ હોય છે. આથી, તેનું ભવન પણ થોડુ તકલાદી હોય છે. કોન્ટ્રાક્ટર પણ ન્યાય આપતાં નથી. જેથી મજબૂતાઇ હોતી નથી અને જાળવણી ન થતાં જર્જરીત બની જાય છે. સી.આર. પાટીલના આ નિવેદનથી હાજર મહાનુભાવો પણ આશ્ચર્યચકીત થઇ ગયાં હતાં.

આણંદના સારસામાં નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું
આણંદના NRI ગામ તરીકે ઓળખાતા સારસા ગામનું પંચાયત ભવન ખૂબ ગીચ વિસ્તારમાં હતું. અહીં ગ્રામજનો અને NRI પરિવારોને નાગરિક સુવિધાઓ અને બેઠક વ્યવસ્થા સહિતની અગવડો નડતી હતી.નવા ગ્રામપંચાયત ભવનના નિર્માણ માટેની કવાયત ચાલતી હતી.જે માટે ગામમાં દાતા માટે ટહેલ નાખવામાં આવી હતી.જેમાં સ્થાનિક સતિષભાઈ પટેલ અને ભાનુભાઈ પટેલ મહર્ષિ અને પોષક ગૃપ દ્વારા એક પરિવારે આધુનિક ગ્રામપંચાયત ભવન નિર્માણ કરવા તૈયારી દર્શાવી હતી જે મુજબ 60 લાખથી વધુનો ખર્ચ કરી દાતા પરિવારે સમગ્ર ગુજરાતમાં પ્રેરક ઉદાહરણ બન્યા છે.

આ સમારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ,ભાજપ અગ્રણી પરેન્દુભાઈ ભગત (કાકુજી), જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર ,ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ(સિલ્કી),ભાજપ જિલ્લા મહામંત્રી નીરવ અમીન અને મયૂર સુથાર ઉપરાંત ઠાસરા ના અંઘાડી પંચાયતના સરપંચ અને ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મીનેશ પટેલ ઉપરાંત જિલ્લા ના અગ્રણી આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.દાતા પરિવાર સતીષભાઈ મહીજીભાઈ પટેલ, ભાનુબહેન સતીષભાઈ પટેલ પરિવાર હાજર રહ્યો હતો. મહત્વનું છે કે આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ (સિલ્કી)દ્વારા આણંદ ભાજપ કાર્યાલય નિર્માણમાં 1,11,111 ની રકમનો ચેક આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...