ગોટાળાનો રિપોર્ટ:SP યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક 22મીએ : 38 કરોડના ગોટાળા-બાયો સાયન્સની આગનો રિપોર્ટ રજૂ કરાશે

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયો સાયન્સની આગનો રિપોર્ટ ગત ડિસેમ્બરમાં જ્યારે હિસાબી ગોટાળાનો રિપોર્ટ બે દિવસ પહેલાં જ કમિટીએ સોંપ્યો

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠક આગામી 22મી ઓક્ટોબરના રોજ સિન્ડીકેટ હોલમાં મળશે. આ સિન્ડીકેટ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કે, બેઠકમાં યુનિવર્સિટીના રૂપિયા 38 કરોડના હિસાબી ગોટાળાનો રિપોર્ટ તથા બાયો સાયન્સની આગનો રિપોર્ટ રજૂ કરાશે.

વર્ષ 2020માં મે માસમાં બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એવું ખૂલ્યું હતું કે, તેનો વીમો જ રીન્યુ કરાયો નહોતો. દરમિયાન, સમગ્ર બાબતે એક કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. કમિટી દ્વારા ગત ડિસેમ્બરમાં તેમાં જવાબદારના નિવેદન લઈ રિપોર્ટ રજૂ કરાયો હતો. દરમિયાન, બીજી તરફ ગત મે માસમાં સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ અને તેના વપરાશનો પણ મુદ્દો ઉઠ્યો હતો. ગત મે માસમાં મળેલી સિન્ડીકેટ બેઠકમાં રૂપિયા 29 કરોડનો હિસાબી ગોટાળો બહાર આવ્યો હતો. જે સંદર્ભે એક કમિટીની નિમણુંક કરવામાં આવી હતી.

કમિટી દ્વારા તપાસના અર્થે 38 કરોડનો હિસાબી કૌભાંડ નીકળ્યું હતું.આ અંગે વાત કરતા વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ગત 16મી ઓક્ટોબરના રોજ રિપોર્ટ કમિટી દ્વારા રજૂ કરાયો છે. બંને રિપોર્ટમાં જવાબદાર એક જ વ્યક્તિની ભૂમિકા છતી થાય છે. જેને પગલે બંને રિપોર્ટ એક સાથે જ રજૂ કરવામાં આવશે. આગામી 22મીના રોજ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ સિન્ડીકેટ હોલમાં તમામ સભ્યોની હાજરીમાં રિપોર્ટ રજૂ કરાશે અને જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ટ્રીપલ એની ટીમ મૂલ્યાંકન કરશે
સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ એટલે કે, મંગળવાર, બુધવાર અને ગુરૂવાર એમ ત્રણ દિવસ માટે ટ્રીપલ એની ટીમ મૂલ્યાંકન કરશે. નેકની ટીમ આવે તે પહેલાં મૂલ્યાંકન કરવા માટે આવતી ટીમમાં છત્તીસગઢના વિલાસપુર, જીટીયુ અને ભાવનગરના નિવૃત વાઈસ ચાન્સેલર ટીમમાં છે. તેઓ ત્રણ દિવસ માટે યુનિવર્સિટીમાં રોકાણ કરશે અને યુનિવર્સિટીને શ્રૈષ્ઠ બનાવવા શું કરી શકાય તેના વિચાર રજૂ કરી માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...