ભાસ્કર વિશેષ:એસપી યુનિવર્સિટીનું સંશોધન : કિફાયતી સલામત અને વધુ રિચાર્જેબલ કોઇન સેલ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી દ્વારા પેટન્ટ ફાઇલ કરવા ડ્રાફટ તૈયાર કરાશે

હાલમાં બજારમાં મળતી લિથિયમ બેટરી હવા કે પાણીના સંપર્કમાં આવે તો બ્લાસ્ટ થાય છે. પરંતુ તેની સામે ઝીંક આયર્ન બેટરી જેલ કેથોડનો ઉપયોગ કરીને બનાવાય તો તે સલામત અને કાર્યક્ષમ છે, એવું સંશોધન તાજેતરમાં વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયું છે.

આ અંગે ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. સૌરભ સોનીએ વાત કરતાં જણાવ્યું હતું કે, ઝીંક આયર્ન બેટરી લિથિયમ આયર્ન બેટરીના વિકલ્પ તરીકે બનાવાઈ છે. સૌર કોષો અને બેટરીના ક્ષેત્રમાં તે સલામત, સસ્તી અને કાર્યક્ષમ છે. જે હાલની જોખમી લિથિયમ આયર્ન બેટરીને શ્રેષ્ઠ ઝિંક આયર્ન બેટરીથી બદલી શકે છે. આ બેટરી બજારની બેટરી કરતાં ઓછી કિંમત, સલામત અને રિચાર્જેબલ હોવાથી દૈનિક વપરાશની વસ્તુઓમાં ઉપયોગી થઈ શકે છે. બજારમાં મળતી લિથિયમ આયર્ન એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજિ એટલે કે બટન પાવર (કોઈન સેલ)માં સુધારો કરવાના ઘણા રસ્તાઓ છે.

જે પૈકી સોડિયમ/પોટેશિયમ આયર્ન બેટરી પણ છે, તેમાં રહેલાં જોખમોને કારણે ઝીંક આર્યન બેટરીનું સંશોધન કરાયું છે. સામાન્ય રીતે બજારમાં મળતી કોઈન સેલ 45થી 80માં મળે છે જ્યારે ઝીંક સેલ 15 રૂપિયામાં મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું સંશોધન સરદાર પટેલ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર કરવામાં આવ્યું છે. યુનિવર્સિટી દ્વારા પેટન્ટ ફાઇલ કરવા માટે પ્રોવિઝનલ ડ્રાફટ પણ તૈયાર કરવાની તજવીજ પ્રોફેસરો દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી છે.

કેલ્ક્યુલેટર સહિતના નાના ઉપકરણોમાં ઉપયોગી
લિથિયમના સ્ત્રોત ભારતમાં નથી, જેને કારણે બહારના દેશો પર નિર્ભર રહેવું પડે છે. તેની સામે ઝીંક આયર્નનો સ્ત્રોત ભારતમાં હોઈ સરળતાથી મળી રહે છે. તેની કાર્યક્ષમતાની વાત કરીએ તો સૈદ્ધાંતિક ક્ષમતા 211 mAh gm-1 કરતાં સંશોધનમાં વધુ 220 mAh-1 ક્ષમતા રેકોર્ડ થઈ છે. જેથી તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન શક્ય બની શકે છે. બેટરી થકી દૈનિક નાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો કેલ્ક્યુલેટર, કાંડા ઘડિયાળ, રમકડાં, રિમોટ અને LED લાઇટ ચલાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...