સોજિત્રાના રહસ્યમય પદાર્થની તપાસ:બે સ્થળે પડેલો અવકાશી પદાર્થ અંતરિક્ષનો કાટમાળ કે પછી સ્થાનિક શખસનું અટકચાળું? FSL રિપોર્ટ બાદ ખુલાસો થશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રહસ્યમય પદાર્થની તસવીર. - Divya Bhaskar
રહસ્યમય પદાર્થની તસવીર.
  • 100 કિમી કરતાં વધુ દૂરી પરથી આવતો પદાર્થ ઘર્ષણ સાથે આવતો હોય ત્યારે તેના પર કંઈ પણ પ્રકારના લિસોટા જોવા ન મળતા હોવાનો નિષ્ણાંતોનો મત

છેલ્લાં કેટલાંય સમયથી ચરોતરમાં બની રહેલી ખગોળીય ઘટનાઓને પગલે ચરોતર ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ગત ગુરૂવારે ઉમરેઠના દાગજીપુરા, ખાનકુવા, શીલીમાં અવકાશી પદાર્થ પડ્યા બાદ તેના થોડાં દિવસો બાદ એ જ પ્રકારનો પદાર્થ ખેડાના ભૂમેલમાં પણ પડ્યો હતો.

એક પછી એક ઘટનાઓ આકાર પામી રહી હતી ત્યારે વળી બીજી તરફ સોજિત્રાના કાસોર અને વિરોલ ગામે પણ પદાર્થ મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે, પદાર્થ પડવાથી એક ઘેટાંનું પણ મોત નીપજ્યું હતું. જોકે, સમગ્ર બાબતને લઈને ચરોતરમાં હાલ ચર્ચા એ જ ચાલી રહી છે કે, આખરે અવકાશમાં એવું તે શું બની રહ્યું છે કે જેને કારણે આ પદાર્થ પડી રહ્યા છે. જોકે, અગાઉ ઉમરેઠના ત્રણ ગામ અને ભૂમેલમાં ગોળાકાર પદાર્થ અવકાશમાંથી પડ્યા તે ઘટનાઓ અંતરિક્ષનો કાટમાળ હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ સોજિત્રામાં બે દિવસથી બે અલગ-અલગ ગામમાંથી મળી રહેલાં પદાર્થ ખરેખર આકાશમાંથી જ પડ્યા હતા કે પછી કોઈ શખસનું અટકચાળું હતું તેને લઈને ચર્ચા તેજ બની છે.

સોજિત્રા તાલુકાના કાસોર તાબેના ખોડીયારપુરામાં અવકાશી પદાર્થ મળ્યા બાદ સોમવારે વિરોલ ગામના શારદાપુરા વિસ્તારમાં પણ દોઢ ફૂટ જેટલો અવકાશી પદાર્થનો ટુકડો મળી આવ્યો હોવાનું ચર્ચાયું છે. ગ્રામજનોનો એવો દાવો છે કે બે દિવસ અગાઉ આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો. રવિવાર સાંજે ખેડૂતે આ ટૂકડો જોતાં જ ગામના આગેવાનોને વાત કરી હતી. આમ સોજિત્રા તાલુકાના 10 કિમીના એરીયામાં ત્રણ જગ્યાએ અવકાશી પદાર્થના ટુકડા મળી આવ્યા હતા.

સમગ્ર બાબતે અવકાશી વિષયોના અભ્યાસુ એવા પ્રોફેસર ગીતાલી સાહાએ આ દાવાઓને આંશિકપણે નકારતાં જણાવ્યું હતું કે, ઉમરેઠના ત્રણ ગામ અને ખેડાના ભૂમેલમાં પડેલો વજનદાર ગોળો અંતરીક્ષનો કાટમાળ હોઈ શકે છે પરંતુ કાસોરમાં છેલ્લાં બે દિવસથી પડેલી વસ્તુઓ આકાશમાંથી પડ્યું હોય એમ લાગતું નથી. કોઈ લોકલ વ્યક્તિનું અટકચાળું હોય તેવી સંભાવના વધારે જોવાઈ રહી છે.

કારણ કે, ખેતરમાંથી મળેલા કાટમાળ પર પાતળી લીટીઓ જોવા મળી રહી છે. સામાન્ય રીતે 100 કિમી કરતાં વધુ દૂરી પરથી આવતી વસ્તુઓ ઘર્ષણ સાથે આવતી હોય છે અને તેને કારણે આ પ્રકારના પદાર્થ કોરી સ્લેટ જેવા હોય છે. તેના પર આટલી ડિઝાઈન જોવા ન મળે. હા, એવું બની શકે કે કોઈ શખસે જાણી જોઈને ચર્ચામાં રહે તે હેતુસર ડ્રોન ઉડાવ્યા બાદ આ ફેક્યું હોઈ શકે છે. જોકે, સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરાય તો કંઈક નવીન બાબત બહાર આવી શકે છે.

FSL રિપોર્ટમાં સમગ્ર હકીકતો ખૂલશે
ઉમરેઠના ત્રણ ગામ અને ભૂમેલમાં પડેલા પદાર્થ ઉપરાંત સોજિત્રાના ગામોમાં પડેલા પદાર્થને હાલમાં એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ખરેખર શું હકીકત છે તે ખૂલશે. જોકે, હાલમાં તો એવું પણ કહેવાય રહ્યું છે કે, ત્રણેય ગામોમાંથી મળી આવેલા પદાર્થો ચાઈનાના છે.

અન્ય સમાચારો પણ છે...