ભાડા સાથે સામાન પણ ગયો:સોજિત્રાના કોન્ટ્રાક્ટરનો સેન્ટીંગનો સામાન ભાડે લઇ જઇ ગઠિયાએ પરત ન આપ્યો, 1.10 લાખની છેતરપિંડીની ફરિયાદ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પચ્ચીસ દિવસ પછી સામાન અને ભાડુ માગતાં ગઠિયો ફરાર

સોજિત્રાના કાસોર ગામે રહેતા કોન્ટ્રાક્ટરનો પાસેથી સેન્ટીંગનો સામાન ભાડે લઇ જનારા ગઠિયાએ સામાન કે ભાડુ આપ્યું નહતું અને રૂ.1.10 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધ્યો હતો.

કાસોર ગામે રહેતા અશોકભાઈ બચુભાઈ રાવળ મકાન બાંધકામનો કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમની પાસે 9મી ફેબ્રુઆરીના રોજ કાસોરનો ટીકા શનાભાઈ પરમાર અને મહેશ બુધાભાઈ ચૌહાણ આવ્યાં હતાં. ટીકાએ બાંધણી ગામના મહેશ ચૌહાણને સેન્ટીંગનો સામાન ભાડે લેવાનો હોવાની વાત કરી હતી. આથી, અશોકભાઈએ લોખંડની પ્લેટ, લાકડાના ટેકા મળી કુલ રૂ.80 હજારનો સામાન આપ્યો હતો અને એક દિવસના રૂ.389 ભાડા પેટે નક્કી કર્યાં હતાં.

આ સમયે મહેશે પચ્ચીસ દિવસની શરતે રૂ.દસ હજાર એડવાન્સ ભાડા પેટે આપ્યા હતા અને ટેમ્પામાં સામાન ભરીને લઇ ગયા હતાં. પચ્ચીસ દિવસ પછી મહેશને ફોન સેન્ટીંગનો સામાન અને ભાડાના બાકી રૂપિયા અશોકભાઈએ માંગ્યાં હતાં. પરંતુ મહેશએ દસેક દિવસમાં સામાન તેમજ ભાડુ આપી દેવાનો વાયદો કર્યો હતો. જોકે, વારંવાર ભાડુ અને સામાન માંગવા છતાં મહેશ ગલ્લા તલ્લા કરતો હતો. તેને ઘરે જતાં તે હાજર ન હતો અને ફોન પણ બંધ આવતો હતો. આમ મહેશે છેતરપિંડી કરી હોવાનું જણાતા અશોકભાઈએ સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે સામાન અને ભાડુ મળી કુલ રૂ.1.10 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

અન્ય વેપારી પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે

અશોકભાઈ સાથે બાંધણીના મહેશ ચૌહાણ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. જેની તપાસમાં મહેશે અગાઉ પણ મલાતજના હિતેશ વિનુભાઈ પરમાર તથા બીજા લોકોને પણ સેન્ટીંગનો સરસામાન ભાડેથી લઇ જઇ પરત કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...