તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:પેટલાદ અને પણસોરામાં તસ્કરી, સોનાના દાગીના અને બાંધકામના સામાનની ચોરી થઇ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેખડી ગામે ખેડૂતના ઘરમાંથી તસ્કરો સોનાના દાગીના ચોરી ગયાં
  • પરિવાર ઓસરીમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન તસ્કરો ઘરમાં પ્રવેશી 90 હજારની મતા ઉસેડી ગયાં
  • ખુલ્લામાં પડેલો બાંધકામનો સમાન તસ્કરો ઉઠાવી ગયા

કોરોના મહામારી દરમ્યાન આણંદ જિલ્લામાં તસ્કરીના બનાવો વધવા પામ્યા છે. વધતી જતી બેરોજગારી અને મોંઘવારીમાં જીવન મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે તસ્કરી અને લૂંટના બનાવો સામાન્ય નાગરિકને પજવી રહ્યાં છે. તેઓએ જીવનમાં મહેનત કરી એકઠી કરેલી મહામૂલી બચત અને વસાવેલા દાગીના ચોરી જઈ પાપી તસ્કરો નાગરિકોના જીવનમાં ઝેર ઢોળી રહ્યાં છે. પેટલાદ તાલુકાના શેખડી ગામે રહેતું પરિવાર જમી પરવારી ઘર બહાર ઓસરીમાં સુતુ હતું. તે દરમિયાન અજાણ્યો વ્યક્તિ તેમના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના દાગીના અન્ય ચીજ વસ્તુ મળી રૂ.90 હજારની મત્તા ચોરી કરી ગયો હતાં.

તીજોરીની ચાવી નજીકમાં જ ખાનામાં મુકેલી હતી

શેખડી ગામે ઘંટીવાળા ફળીયામાં રહેતા ગોવિંદભાઈ અંબાલાલ પરમાર ખેતી કામ કરે છે. તેઓ 1લી જૂનની રાત્રિના જમી પરવારી રાત્રિના અગ્યારેક વાગે ઘરના મેઇન દરવાજાને ફક્ત હેન્ડલ બંધ કરી કોઇ તાળું નહીં મારી બહાર ઓસરીમાં સુઇ ગયાં હતાં. આ સમયે ઘરમાં તીજોરીની ચાવી તીજોરીની નજીકમાં જ ખાનામાં મુકેલી હતી. દરમિયાનમાં તેઓ વ્હેલી સવારે જાગ્યા તે સમયે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં જઇ જોતા બધી વસ્તુઓ વેરણછેરણ પડી હતી. લાકડાનું કબાટ ખુલ્લું હતું. પતરાની પેટી પણ ખુલ્લી હતી અને ઉપરના માળે જઇ જોતા ત્યાં પણ લોખંડની તીજોરી ખુલ્લી પડી હતી.

કબાટમાં મુકેલા દાગીના, રોકડ ચોરી કરી ગયાં

આથી, ચોરીની શંકા જતા તીજોરી ખોલી અંદર જોતા અંદરથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.70 હજાર અને રોકડા રૂ.20 હજાર મળી કુલ રૂ.90 હજારની ઉપરાંત બેન્કના એટીએમ કાર્ડ પણ ચોરી કરી નાસી ગયા હતાં. આથી, કોઇ ચોર ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી તીજોરીની બાજુમાં મુકેલી ચાવીઓથી તીજોરી ખોલી તથા કબાટમાં મુકેલા દાગીના, રોકડ ચોરી કરી ગયાં હતાં. આ અંગે ગોવિંદભાઈ પરમારની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પણસોરામાં ખુલ્લામાં પડેલો સેન્ટીંગનો સામાન ચોરાયો

ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ગોકુલધામ સુપર માર્કેટ કોમ્પ્લેક્સની પાછળના ભાગે ખુલ્લામાં પડેલા સેન્ટીંગની લોખંડની નાની મોટી 27 પ્લેટ કિંમત રૂ.10,100, લોખંડના સળીયા રૂ.14000 મળી કુલ રૂ.24,100ની મતા કોઇ શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. આ અંગે મહેન્દ્ર પ્રજાપતિની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...