તસ્કરોનો તરખાટ:આણંદમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું, ઓડમાં ખાતર ચોરી ગયા, તારાપુરમાં સોનાની ચેનની ચીલઝડપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના જૈતુનપાર્કમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાં ઘુસી તિજોરીમાં મુકેલી અઢી તોલાની સોનાની વીંટીની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદના ગામડી ગામમાં જૈતુનપાર્કમાં રહેતાં મહંમદતલહા અબ્બાસ મલેકના ઘરમાં 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ તસ્કરો ત્રાટક્યાં હતાં. તેઓએ ઘરના લોખંડની જાળીનું તાળુ અને મુખ્ય દરવાજાને મારેલું લોક તોડી નાંખી અંદર પ્રવેશ્યા હતાં. બાદમાં બેડરૂમમાં મુકેલા લોખંડના પતરાની તિજોરીનો દરવાજો તોડી તિજોરીમાં મુકેલ સોનાની વીંટી આશરે અઢી તોલાની કિમત રૂ.7,950ની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ધનજીભાઈને સોંપી છે.
ઓડમાં ખેતરની ઓરડીમાંથી ખાતરની થેલી ચોરાઇ
ઓડ ગામે રહેતા મિતેશ રમણભાઈ પટેલના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં 8મી જાન્યુઆરીની સાંજના તસ્કરો ત્રાટક્યા હતાં. તેઓએ ઓરડીના પતરાં ઉખાડી અંદર પ્રવેશ કરી ઓરડીમાં મુકેલા સલ્ફેટ ખાતરની 20 થેલી કિંમત રૂ.46,000 અને દવા છાંટવાનો પંપ મળી કુલ રૂ.51 હજારની મત્તા ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર. ગોહિલને સોંપી છે.
​​​​​​​​​​​​​​મુસાફરના સ્વાંગમાં ચીલઝડપ કરતી ગેંગ સામે વધુ એક ગુનો
તારાપુરના ચાંગડા ઘંટી પાસે રહેતા મીનાબહેન ભાઈલાલભાઈ પ્રજાપતકિ 4થી ડિસેમ્બરના રોજ તારાપુરના ઇસરવાડા પાસે રીક્ષામાં બેઠાં હતાં. આ સમયે તેમની સાથે બીજા બે શખસો પણ પાછળની સીટમાં બેઠાં હતાં. મીનાબહેનને વચ્ચે બેસાડી તેમની નજર ચુકવી ગળામાં પહેરેલા સોનાનો દોરો કિંમત રૂ.30 હજારની ચોરી કરી હતી. આ અંગે મીનાબહેને તારાપુર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ પ્રહલાદભાઈને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...