બંધ મકાનને નિશાન બનાવ્યું:તારાપુરમાં પોસ્ટ માસ્તરના મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 81 હજારથી વધુનો મુદ્દામાલ લઇ પલાયન થઇ ગયાં

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ માસ્તર મહીયારી ગામે બહેનોને મળવા ગયા તે તકનો લાભ ઉઠાવી તસ્કરોએ ખાતર પાડ્યું

આણંદ જિલ્લાના તારાપુરના મોરજ રોડ પર આવેલા વાત્સ્લય બંગ્લોઝમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દાગીના, રોકડા મળી કુલ રૂ.81 હજાર 700ના મુદ્દામાલની સાફ સુફી કરી પલાયન થઇ ગયાં હતાં. મકાન માલિક પરિવારના સભ્યો સાથે મહિયારી ગામે બહેનોને મળવા ગયા હતા, આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનમાં હાથફેરો કર્યો હતો. આ બનાવ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી ફરાર તસ્કરોનું પગેરૂ શોધવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

મુળ તારાપુર તાલુકાના મહીયારી ગામના વતની કિરીટભાઈ ખોડાભાઈ વાળંદ છેલ્લા 18 વર્ષથી ખાનપુર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવે છે અને હાલ તારાપુર-મોરજ રોડ પર આવેલી વાત્સ્લ્ય સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. ગત તા.13મી નવેમ્બર 21ના રોજ રાત્રિના તેઓ મહીયારી ગામે તેમના બહેનોને મળવાં પરિવાર સાથે ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાન પર તસ્કરો ત્રાટક્યાં હતાં.

મહત્વનું છે કે, તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂમમાં આવેલી તિજોરી-કબાટના તાળા તોડી નાંખી અંદરથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી કુલ રૂ. 81 હજાર 700 માલ મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. મહીયારીથી પરત આવેલા કિરીટભાઈ વાળંદને પોતાના મકાનમાં ચોરી થયાની જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા.

આ અંગે તેઓએ તારાપુર પોલીસ મથકે જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તસ્કરોનું પગેરૂ દબાવ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી તેમાં સફળતા મળી નહતી. હાલ આ અંગે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...