ચોરી:આંકલાવમાં રેલવેના નિવૃત્ત કર્મચારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, દાગીના તથા રોકડ મળી બે લાખની મત્તા ઉઠાવી ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનો દરવાજો બંધ કરી પરિવારજનો બહાર સુતા હતા તે દરમિયાન તસ્કરો ચોરી ગયા

આંકલાવ તાલુકાના લાલપુરામાં રહેતા રેલવેના નિવૃત્ત કર્મચારી પરિવાર સાથે બહાર ફળીયામાં સુતા હતા તે દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ મકાનમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂ. 1.99 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના લાલપુરા ગામે આવેલી અલકાપુરી સોસાયટીમાં રહેતા ભગુભાઈ જેઠાભાઈ સોલંકી રેલવે વિભાગમાંથી નિવૃત્ત થયાં હતાં. તેઓ તેમના ત્રણ પુત્રના પરિવાર સાથે જીવન નિર્વાહ કરી રહ્યાં છે. હાલમાં ગરમીના કારણે પરિવારજનો ઘરની બહાર સુતા હતા, તે દરમિયાન તેઓએ ઘરનો દરવાજો બંધ કર્યો હતો. મધરાતે તસ્કરોએ ભગુભાઈ સોલંકીના મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના બંધ મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરીને ઘરના લોકરવાળા કબાટમાં મુકેલી લોખંડની પેટીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ. 1.25 લાખ મળી કુલ રૂ. 1 લાખ 99 હજાર 500ની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં.

આ અંગે વ્હેલી સવારે ભગુભાઈને જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા અને તાત્કાલિક આંકલાવ પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી. પરમાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની મદદથી તસ્કરનું પગેરૂ દબાવ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી ખાસ કોઇ કડી મળી નહતી. આ અંગે હાલ આંકલાવ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...