CNGની સમસ્યા:આણંદ જિલ્લામાં CNG ગેસની અછત, વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા

આણંદ6 મહિનો પહેલા
  • CNG રિક્ષા ચાલકોની હાલત કફોડી, રોજગાર ઉપર માઠી અસર
  • ગ્રામ્ય મુસાફરો બપોર બાદ રઝળી પડે તેવી પરિસ્થિતિ

આણંદમાં છેલ્લા કેટલાક દિવસથી સીએનજી ગેસની અછતને લઈ મામલો ગરમાયો છે. સમગ્ર આણંદ જિલ્લામાં ચરોતર ગેસ કો.ઓ.સોસાયટી દ્વારા ગેસ પુરવઠા સપ્લાયનું કામ થાય છે. હાલ ચરોતર ગેસ જિલ્લાના વાહનચાલકોને પૂરતો ગેસ પુરવઠો આપવામાં નિષ્ફળ જઈ રહી છે. આ માટે તેઓ તેમના સપ્લાયરને જવાબદાર ઠેરવી રહ્યા છે. જોકે, આ વિવાદમાં વાહનચાલકોને અને પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નજીકના દિવસોમાં સપ્લાય નિયમિત થશેનું આશા આશ્વાસન ચરોતર ગેસના સંચાલકો પ્રજાને આપી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં સીએનજી ગેસની અછતને લઈ સીએનજી વાહનચાલકોમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. રિક્ષા ચાલકો સહિત વાહન ચાલકોને સવારે 5 વાગ્યાથી સીએનજી પંપે લાઇનમાં ઉભા રહી ગેસ પુરવઠો મેળવવો પડી રહ્યો છે.એક તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવો ને લઈ લાખો વાહનચાલકોએ સીએનજી વાહન ખરીદ્યા છે. ત્યારે હાલ આણંદમાં સીએનજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ ન હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો સમસ્યા વધુ દિવસો ખેંચાશે તો આણંદ જિલ્લામાં સીએનજી ગેસ માટે આંદોલન ઉભું થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે.

આ અંગે ગામડી ખાતે ચરોતર ગેસની ફ્રેન્ચાઈઝી ધરાવતા મિકુલ પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં સવારે પાંચ વાગ્યાથી સીએનજી ગેસ માટે લાઈન લાગે છે. અમારી પાસે ગેસ પુરવઠો હોય ત્યાં સુધી આપીએ છીએ બપોર સુધીમાં ગેસ પુરવઠો ખલાસ થઈ જવાથી બપોર બાદ ગેસ પંપ બંધ કરી દેવો પડે છે. અમે અમારા સપ્લાયર ચરોતર ગેસ નો સંપર્ક કરતા તેઓએ તેઓએ તેમના સપ્લાયર ગેઈલ કંપની થકી પૂરતો પુરવઠો ન આવતો હોવાની બાબત જણાવી હતી.જે કારણે અમે અમારા નિયમિત ગ્રાહકોને પણ સંતોષી શકતા નથી.

આ અંગે ચરોતર ગેસના એમડી રમેશભાઈ પ્રજાપતિ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં સીએનજી ગેસનો 96000 એસ.ક્યુ.એમની જરૂરિયાત સામે ગેઈલ કંપની દ્વારા 63.500 એસ.ક્યુ.એમ પુરવઠો મળી રહ્યો છે. કેન્દ્ર સરકારને ડિસેમ્બરમાં રિવ્યુ ઓડર આપી વધારો માંગવામાં આવ્યો છે. છતાં તે પુરવઠો હજુ ફાળવવામાં આવ્યો નથી. જોકે, સંસ્થા દ્વારા આ સમસ્યા વેળાસર ઉકેલ આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...