વિકાસના ખાડાં:આણંદમાં 3 મહત્વના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટે ગટરોનું કામકાજ, હજુ બે મહિના ત્રાસદી રહેશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા બસ સ્ટેશન પાસે - Divya Bhaskar
નવા બસ સ્ટેશન પાસે

શહેરની જનતા ચોમાસાના ખાડાની આફતમાંથી બહાર આવી શકી નથી ત્યાં પાલિકાએ ત્રણ મહત્વના માર્ગ પર ગટરના ખોદકામ માટેની કામગીરી શરૂ કરતા ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. આ કામ હજુ બે મહિના સુધી ચાલી શકે છે. નગરજનોની સુવિધા માટે પાલિકાએ હાથ ધરેલી કામગીરી સરાહનીય છે પરંતુ તંત્રે ટ્રાફિક જામ અને અન્ય પ્રકારની સમસ્યાના સમાધાન માટે સમાંતર વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

અમૂલ ડેરી રોડ
અમૂલ ડેરી રોડ

પ્રાપ્ત વિગત પ્રમાણે પાલિકા તંત્રએ ગોયા તળાવથી વરસાદી પાણીના નિકાલ માટે આણંદ વિધાનગર રોડ થઈને શહેરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર થઈને અમીન ઓટો તળાવ તરફ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરુ કર્યું છે. આ માટે વ્યાપક ખોદકામ કરવામાં આવતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ કામ અંદાજીત 75 લાખ ઉપરાંત રકમના ખર્ચે બે માસમા તૈયાર થઇ જશે એમ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલ પટેલે જણાવ્યું હતું.

વિદ્યાનગર રોડ
વિદ્યાનગર રોડ

જ્યારે આણંદ શહેરના અમુલ ડેરી રોડ પર વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ જતા હતા ત્યારે મુખ્ય માર્ગ હોવાથી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જીયુડીસી યોજનાની ગ્રાન્ટમાંથી અંદાજીત 16 લાખ ઉપરાંત રકમના ખર્ચે તૈયાર કરવામા આવશે. સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન કામગીરી ચાલુ મહિનાના અંતમા પુર્ણ થવાની સંભાવના છે.

તેમજ આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન બનાવવા એક તરફના માર્ગને ડાયવર્ઝન અપાયું છે. ગ્રીડ ચોકડીથી નવા બસ સ્ટેન્ડ સુધી નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન જોડવામાં આવી રહી છે. રૂ. 17 લાખના ખર્ચે હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થતા હજુ એક મહિનાનો સમય લાગી શકે એમ હોવાનું પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર જુગલ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...