વાતાવરણમાં પલટો:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં મે સુધી સાત-આઠ માવઠાંની શક્યતા

આણંદ3 મહિનો પહેલાલેખક: કલ્પેશ પટેલ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભૂમધ્ય સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફંટાતા વાતાવરણમાં પલટો
  • બંગાળની ખાડીનું લૉ પ્રેશર અને ભૂમધ્ય સમુદ્રના પવનો કારણભૂત

ગુજરાતમાં ચરોતર સહિતના અનેક પથંકમાં બુધવારે વહેલી સવારે કમોસમી માવઠું પડ્યું હતું. તેના કારણે શિયાળુ અને કેરીના પાકને અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોના મતે ખેડૂતોએ હજી મે મહિના સુધી આવાં સાતથી આઠ કમોસમી માવઠાંના માર માટે તૈયાર રહેવું પડશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના પ્રો. ડૉ. મનોજ લુણાગરિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણેક વર્ષથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમના દેશોમાં નવેમ્બરથી મે સુધી વાતાવરણ ગરમ રહે છે.

જેના કારણે ઠંડા પવનો ફંટાઇને ભારત તરફ પ્રયાણ કરે છે. તે સમયે ભૂમધ્ય સમુદ્રમાં બાષ્પીભવનની પ્રક્રિયા તેજ હોવાથી ભેજ વધુ હોય છે, જે પવનોની સાથે ભળી જાય છે. આ ભેજવાળા પવનો ઉત્તર અને મધ્ય ભારતમાં ફૂંકાતા રહે છે. તેના કારણે હિમવર્ષા કે સામાન્ય માવઠાં થાય છે. ચોમાસા પછી નવેમ્બરથી મે સુધી વિવિધ રાજ્યોમાં માવઠાં થાય છે.

હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ પ્રેશર અને ભૂમધ્ય સમુદ્ર પરથી પસાર થયેલા પવનોના કારણે ભારતનાં કેટલાંક રાજ્ય સહિત ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાં થઇ રહ્યાં છે. નોંધનીય છે કે આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય ઝાપટાં પડવાની સંભાવના છે, જ્યારે મે મહિના સુધી સાતથી આઠ ગુજરાત સહિતનાં રાજ્યમાં માવઠાં પડી શકે છે.

દર દસ વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય છે
હવામાન નિષ્ણાતોના મતે હાલ રાજ્યમાં વરસાદની કોઇ પેટર્ન બદલાઇ નથી, પરંતુ દર દસેક વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય છે. મધ્ય ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નવેમ્બરથી ડિસેમ્બરમાં માવઠાં થઇ રહ્યાં છે. પવનોએ દિશા બદલી છે. અત્યાર સુધી પશ્ચિમી દેશોમાં ગરમી વધતા ઠંડા પવનોએ દિશા બદલી છે, જેથી આ માવઠાં થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...