છેતરપિંડી:સુંદણ દૂધ મંડળીના સેક્રેટરીએ 9.72 લાખની ઉચાપત આચરી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષ અગાઉ મંડળીમાં જમા થતા પૈસા ચોપડે ન બતાવ્યા

આણંદ પાસેના સુંદણ ગામ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા શખસે ચાર વર્ષ અગાઉ પોતાના કાર્યકાળ દરમિયાન મંડળીમાં જમા થતા વકરો ચોપડે ન બતાવી પોતાના અંગત વપરાશમાં વાપરી કાઢ્યા હતા. તાજેતરમાં આવેલા ઓડિટમાં હકીકત ખૂલતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

સુંદણ-ખડોલ રોડ સ્થિત રામેશ્વવરી મંદિર પાસે નિલેશભાઈ છોટાભાઈ પટેલ રહે છે. વર્ષ 2017માં તેઓ સુંદણ ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેમની ફરજ દરમિયાન તેઓએ મંડળીના પૈસાની ઉચાપત આચરી હતી. દરમિયાન, થોડાં સમય અગાઉ મંડળીનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં 1 એપ્રિલ, 2017થી લઈ 30મી સપ્ટેમ્બર, 2017ના સમય દરમિયાન મંડળીના હિસાબોના આવક-જાવકમાં ગોટાળો જણાયો હતો.

તપાસમાં ખબર પડી હતી કે, સેક્રેટરી દ્વારા મંડળીનું રોજમેળ નિયમિત નહીં લખી જમા થતી રકમ બારોબાર પોતાના અંગત વપરાશમાં વાપરી નાંખી હતી. આ રકમ રૂપિયા 9.72 લાખ થતી હતી. જેને પગલે તેમના વિરૂદ્ધ વાસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...