ઉચાપત:આંકલાવ નારપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સેક્રેટરી પશુપાલકોના રૂ.6.82 લાખ ચાઉ કરી ગયો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓડિટ દરમિયાન હંગામી 1.30 લાખ અને કાયમી 5.52 લાખની ઉચાપત ખૂલ્લી પડી

અમૂલ સાથે ખેડા આણંદ અને મહીસાગરની 1200થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓ સંકળાયેલી છે. ખેતી બાદ ગ્રામ્ય કક્ષાએ સૌથી વધુ રોજગારી આપતો વ્યવસાય પશુપાલન જ છે. આંકલાવની નારપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લીમાં 20-21માં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં વ્યક્તિએ હંગામી અને કાયમી મળી કુલ 6.82 લાખની ઉચાપત કરી હતી. આ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંકલાવના નારપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ભીખાભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંડળીમાં 8મી જૂન,20થી 1લી સપ્ટેમ્બર,20 દરમિયાન સેક્રેટરી તરીકે છોટાભાઈ ઉદેસિંહ પરમાર હતાં. તેઓએ મંત્રી (સેક્રેટરી) તરીકેની ફરજ દરમિયાન મંડળીમાં આવેલા જાહેર જનતાના નાણા રૂપિયા 1.30 લાખની હંગામી તથા રૂ.5 લાખ 52 હજાર 241 પૈસાની કાયમી ઉચાપત મળી કુલ રૂ. 6 લાખ 82 હજાર 241 પૈસાની ઉચાપત કરી હતી. આ બાબત ઓડિટ દરમિયાન બહાર આવતાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદ આધારે આંકલાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી. પરમારે સંભાળી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કક્ષાએ પશુપાલક અને અમૂલ ડેરી વચ્ચે દૂધ અને વળતર રૂપે મળતા દૂધના પૈસાની લેતીદેતી માટે ગ્રામ્ય દૂધ ઉત્પાદક ડેરી જ હોય છે. દૂધ મંડળીના સંચાલકો અને સેક્રેટરી આ વહીવટનો ગેરફાયદો ઉઠાવતા થવાની સંખ્યાના કિસ્સા વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...