સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનેક દાતાઓ તિથિ ભોજન કે પુસ્તકો,ગણવેશ,સાધન સહાય કરતા હોય છે.શિયાળામાં દરવર્ષે ઠંડીના કારણે બાળકોની હાજરી ઘટી જાય છે. જેથી હાજરી જળવાઇ રહે તે હેતુથી સૈયદપુરા પ્રાથમિક શાળાના 9 જેટલા શિક્ષકોએ દર મહિને 1 હજાર રૂપિયા પગારમાંથી કાઢીને ગરીબ બાળકો માટે સ્વખર્ચે સ્વેટર વિતરણ વ્યવસ્થા કરી છે.જેઓએ ફક્ત અભ્યાસ જ નહિ પણ તેઓના આરોગ્ય ની ચિંતા કરીને સાચા અર્થમાં શિક્ષક નો અર્થ સાર્થક કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા માં અનેક જગ્યાએ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઠંડીમાં ઠુઠવાઈ ને ભણવા જવાની ફરજ પડે છે.આ સંજોગો માં ઘણા બાળકો શાળામાં નિયમિત ભણવા જવાનું ટાળે છે. શાળાના મુખ્ય શિક્ષક યોગેશભાઈ પટેલે આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું હતુ કે ગામના ઘણા લોકો શુભ અશુભ પ્રસંગે શાળામાં ભોજન કે દાન ભેટ આપે છે.
સૈયદપુરા શાળા માં અંદાજે 450 જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે જેમાં કેટલાક બાળકો શાળા માં તૂટેલા,જૂના સ્વેટર પહેરીને આવતા હતા ઠંડીમાં અનેક બાળકો ની દયનીય હાલત જોઈ ને શિક્ષક મિત્રોની સાથે ચર્ચા કરી હતી.
ઠંડીમાં બાળકો ને રક્ષણ મળે,બાળકો નિયમિત ભણવા આવે,અભ્યાસ ના બગડે તે માટે કંઇક અલગ આયોજન હાથ ધરવાની પ્રેરણાથી ઉત્સાહને બધા શિક્ષક મિત્રોએ આવકાર્યો હતોશાળામાં હાલ નવ શિક્ષક ફરજ બજાવે છે. જેઓએ આપેલ સહયોગથી 81 હજાર રૂપિયાના ખર્ચે 245 જેટલા સ્વેટર ખરીદ કરવામાં આવ્યા હતા.
શાળામાં બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન પટેલ, માજી સરપંચ જશુભાઇ સોલંકી,એસ.એમ.સી.ના ચેરમેન સંજયભાઈ ભોઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય શિક્ષક અને શાળાના અન્ય શિક્ષક મિત્રોએ ગામના બાળકો માટે કરેલ આ નવીન કાર્યને બિરદાવ્યું હતું. તમામ શિક્ષકોનું પુષ્પ ગુચ્છથી સન્માન કરીને તેઓનો ઉત્સાહ વધારવાની સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.