ભાસ્કર વિશેષ:શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણને પગલે લેપટોપ-ટેબ્લેટ્સ માટે વગર વ્યાજની લોન અપાશે

આણંદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર છ ગામ લેઉવા પાટીદાર સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજની સામાન્ય સભા કરમસદ ખાતે યોજાઈ

ચરોતર છ ગામ લેઉવા પાટીદાર સમાજની માતૃસંસ્થા ભારત પાટીદાર સમાજની 37મી વાર્ષિક સામાન્ય સભા કરમસદ ખાતે યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણને લઈને લેપટોપ તથા ટેબ્લેટ્સ સહિતની સામગ્રી માટે વગર વ્યાજની લોન આપવાના કાર્ય પર વિચારણા કરાઈ છે. ભારત પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા કરમસદ ખાતે 24મી ઓક્ટોબરના રોજ મળી હતી. જેમાં ધર્મજ, નડિયાદ, સોજિત્રા, ભાદરણ, વસો, કરમસદ અને સાવલી ગામના ઘટકો ઉપરાંત, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, આણંદ, વડોદરા અને સુરતમાં કાર્યરતઘટકના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સમાજના ટ્રસ્ટી અને દાતા દેવાંગભાઇ પટેલ ઈપ્કોવાલા, પ્રમુખ કૌશિકભાઈ (ભાદરણ) તથા ભારત પાટીદાર સમાજના હોદ્દેદરો અને કરમસદ નગર પાલિકા પ્રમુખ નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવ્યા બાદ ગત મીટીંગની મીનીટસ, ઓડિટેડ હિસાબો, સરવૈયુ, નવા વર્ષનું બજેટ, ઓડિટરની નિમણુંક સહિતના કામને સર્વાનુમતે મંજુર કર્યા હતા. બીજી તરફ નવી સિમિતીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે કૌશિકભાઇ અને મંત્રી તરીકે રાજેશભાઈની પુનઃનિયુક્ત કરાઈ હતી.

બેઠકમાં વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન ઉપરાંત બહેનોમાં વધતા બ્રેસ્ટ કેન્સર જેવા રોગો તથા અન્ય બીમારીઓ સામે રક્ષણ માટે વિવિધ મેડીકલ ચેક અપ કેમ્પનું આયોજન, ભાઈઓ તથા બહેનો માટે વિવિધ રમતોનું આયોજન, વિવિધ પ્રકારના વીમા કવચ માટે જરૂરી માર્ગદર્શન તથા પ્રીમિયમમાં આંશીક સહાય જેવા કાર્યો અંગે વિચારણા કરાઈ હતી. વધુમાં સમાજના દરેક ગામના વતનીઓના વૈશ્વિક વ્યાપને ધ્યાનમાં રાખી તમામની વિગતો ડિજીટલ પ્લેટફોર્મ ઉપર એકત્રિત કરવાના અભિનવ પ્રોજેક્ટને અમલમાં મુકવાનું નક્કી કરાયું છે.

આ તમામ પ્રોજેક્ટસના અસરકારક અમલીકરણ માટે સમાજના પ્રમુખે યુવા પાંખના રાજન દેસાઇ, રશેસભાઈ તથા મહિલા પાંખ તરફથી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલના તબીબ ડૉ. વિરલબેન પટેલ અને અક્ષાબેન પટેલના નેજા હેઠળ બહેનોને કામ ઉપાડી લેવા આહવાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...