ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચરોતરની 13 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે આ દિવસે સારુ મૂર્હુત હોવાથી આણંદ જિલ્લા અને ખેડા જિલ્લામાં 130થી વધુ લગ્નોના આયોજન કરાયા છે. જેની સીધી અસર મતદાન પર થવાની સંભાવના રાજકીય તજજ્ઞોએ વ્યકત કરી છે. જેને લઇને રાજકીય પક્ષોની ચિંતા વધી છે. લગ્નસરા શરૂ થતાં તા . 4 અને 5 ડિસેમ્બરના રોજ સૌથી વધુ લગ્નના આયોજન કરાયા છે. ચરોતર પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે 5મી ડિસેમ્બરના રોજ અંદાજે 130 વધુ લગ્ન છે.
જે ગામમાં કે શહેરની સોસાયટીમાં યોજાશેે. જેને લઇને જે તે વિસ્તારમાં મતદાન પર સીધી અસર પડવાની શક્યતા છે. જો કે આ દિવસે એક પણ સમાજનો સમૂહ લગ્ન નથી આ તમામ લગ્નની તારીખ ઓકટોબર માસમાં નક્કી થઇ ગઇ હતી. આણંદ શહેરના લગ્નમાં ગોરપદુ કરતાં જગદીશ મહારાજેે જણાવ્યું હતંુ કે, આણંદ જિલ્લામાં 5 મી ડિસેમ્બરે આણંદ જિલ્લાના દરેક તાલુકામાં 8 થી 10 લગ્ન છે.આમ જિલ્લામાં 65 વધુ લગ્ન છે. જયારે નડિયાદ ફલાવર માર્ટ ચલાવતાં એક વેપારી જણાવ્યું હતું કે એક માળીને લગ્નના મંડપની સજાવટ માટે 4 થી વધુ ઓર્ડર મળ્યાં છે. જેથી અંદાજે 70થી વધુ લગ્ન યોજાશે.
આણંદ અને ખેડા જિલ્લામાં 60 બસોનું એડવાન્સ બુકિંગ
5મી ડિસેમ્બરના રોજ લગ્નમાં જાન લઇ જવા માટે મોટા ભાગના ટ્રાવેલ્સની લકઝરી બસનું એડવાન્સ બુકીંગ થઇ ગયું છે. આણંદ ટ્રાવેલ્સના સંચાલકે જણાવ્યું હતું કે, 5 મીએ અમારી 4 ગાડી બુક થઇ છે. તેવી રીતે આણંદ-ખેડા જિલ્લામાં 40 વધુ ટ્રાવેલ્સ આવેલ છે. તેમજ સીંગલ કે બે લકઝરી બસ રાખતાં વ્યકિત 20 થી વધુ છે. જેમને ત્યાં એડવાન્સ બુકીંગ થયા છે.
આણંદ -ખેડા જિલ્લાના 40થી વધુ નાના મોટા પાર્ટી પ્લોટ અને હોટલો લગ્ન પ્રસંગ માટે બુક
ચરોતરમાં લગ્ન માટેના 40 થી વધુ પાર્ટી પ્લોટ આવેલા છે. તેમજ હાલમાં એનઆરઆઇ પરિવારો દ્વારા મોટી હોટલમાં લગ્ન કરવાનો ક્રેઝ છે.જેથી હોટલો અને પાર્ટી પ્લોટમાં 4 થી 6 ઠ્ઠી ડિસેમ્બર દરમિયાન 40થી વધુ બુકિંગ નોંધાયેલા છે.જેમાં 5 ડિસેમ્બરે મોટાભાગના પાર્ટી પ્લોટ ફુલ છે.
નજીકના સગા અને કેટેરીંગના સ્ટાફ સહિત અન્ય કામગીરીમાં રોકાયેલા મતદાન ટાળશે
5 ડિસેમ્બરના દિવસે યોજાનાર નાના લગ્નોમાં એક લગ્ન દીઠ અંદાજે ઓછામાં ઓછા 200 સંબંધીઓ અને 100થી વધુ કેટેરીગ વાળા, 10થી વધુ મંડપ ડેકોરેશન સહિત અન્ય કામગીરી માટે રોકાયેલા રહેશે જેથી મતદાનના દિવસે કામ વધુ હોવાથી સમય ન મળતાં મતદાન કરવાનું ટાળે તેવી શક્યતા છે.
મોટાભાગના સરકારી કર્મીઓ પણ લગ્નમાં જઇ શકશે નહીં
આણંદ ખેડા જિલ્લાના 8 હજારથી વધુ સરકારી કર્મચારીઓ કોઇને કોઇ પ્રકારની ચૂંટણી કામગીરી સંડોવાયેલા છે. તેમાંથી કેટલાંક કર્મચારીઓને નજીકના સગા સબંધી કે કૌટુંબિક પરિવારના લગ્ન હશે.તો પણ તેઓ ને ચૂંટણીમાં હાજરી આપવાની હોવાથી જઇ શકશે નહીં. કેટલાંક કર્મચારીઓએ 5મી ડિસેમ્બરે લગ્ન હોવાથી અગાઉથી 2-3 દિવસની રજા મૂકી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.