સરપંચો સાથે સંવાદ:સરપંચ એ પ્રજા અને સરકાર વચ્ચેની સેતુરૂપ કડી, ગામના વિકાસ માટે યોગ્ય એક્શન પ્લાન બનાવવા આણંદના કલેક્ટરનું સરપંચોને સુચન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચો અને ચૂંટાયેલા સભ્યોએ ગામમાં સુખ સુવિધામાં વધારો થાય તેવું લક્ષ્ય રાખવું જોઈએ: ડીડીઓ
  • નલ સે જલ યોજના, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ગામ જેવી અનેકવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું

આણંદના કલેક્ટર મનોજ દક્ષિણીએ સરપંચો સાથે બાયસેગના માધ્યમથી સંવાદ કર્યો હતો. તાજેતરમાં સમગ્ર રાજય સહિત આણંદ જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યો પંચાયતી રાજના કાર્ય અને પંચાયતી રાજથી પરિચિત થાય તે માટે બાયસેગના માધ્યમથી કલેક્ટરે સંવાદ કર્યો હતો. તમામ વર્ગોનો વિસ્તાર પ્રમાણે સામુહિક, સાર્વત્રિક, સાતત્યપૂર્ણ અને સર્વાંગી વિકાસ થાય તે માટે ગામના વિકાસ માટે ગામનો યોગ્ય એક્શન પ્લાન બનાવવાનો કલેક્ટરે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ મારૂં ગામ–મારૂં ગુજરાત અંતર્ગત યોજાનારી પંચાયત મહાપરિષદની રૂપરેખા આપી સર્વેને પંચાયત મહાપરિષદમાં સંમેલીત થવા જણાવ્યું હતું. તેમણે સરપંચો અને ચૂંટાયેલા સભ્યોને ગામમાં સુખ સુવિધામાં વધારો થાય તેવું લક્ષ્ય રાખવાનો અનુરોધ કર્યો હતો. આ સંવાદમાં જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતેથી સરપંચો અને ચૂંટાયેલા સભ્યો બાયસેગના માધ્યમથી જોડાયા હતા.

આ કાર્યક્રમમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, સરપંચ એ પ્રજા અને સરકાર વચ્ચેની સેતુરૂપ કડી હોઈ 15મા નાણાં પંચની કામગીરી અંતર્ગત કરવાનું થતું આયોજન, અમલીકરણ યોગ્ય રીતે કરી વિકાસના કામો સહિત ગામની પાયાની જરૂરિયાતો પરિપૂર્ણ થાય તે જોવાનું સૂચવી પંચાયતી રાજના નિયમો અને કાર્ય પધ્ધતિને અનુસરવા કહ્યું હતું.

કલેકટરે નલ સે જલ યોજના, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક મુકત ગામ-ગુજરત, મનરેગા યોજના, જેવી અનેકવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગામના વિકાસ માટે શું શું થઇ શકે ? અને કેવી રીતે કામ કરવું ? તે અંગેની સમજ અને જાણકારી આપી હતી. તેમણે વધુમાં ઇ-શ્રમ કાર્ડ અને માનવવિકાસ સૂચક આંક શું છે તેની જાણકારી આપી માનવસૂચક આંક પ્રતિ કાળજી રાખવા સુચવ્યું હતું.

આ ઉપરાંત હાલ ગામમાં કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે, કંઇ સુવિધાઓ અને કઇ બાબતોની જરૂરિયાત છે તેમજ આ જે ખૂટતી કડીઓ છે તેમાં કઇ ખૂટતી કડીને પ્રાધાન્ય આપવું જોઇએ તેનું ધ્યાન રાખીને ગામનો એકશન પ્લાન બનાવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત રાજય સરકારની ઇ સેવા સોસાયટીના ખ્યાલ આપી ઈ-સેવાનો વધુ ઉપયોગ કરી ઈ કેન્દ્રોમાં કડીરૂપ કામગીરી કરવાનું સૂચવી 11મીના રોજ અમદાવાદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી પંચાયત મહાપરિષદ અને 12મીના રોજ યોજાનારા ખેલમહાકુંભની જાણકારી આપી હતી. તેમજ ગ્રામ સભાઓ નિયમિત રીતે થતી રહે અને ગામમાં સંવાદિતતાનું વાતાવરણ જળવાઇ રહેવાની સાથે ગામ આદર્શ-સ્માર્ટ ગામ બને તેવા પ્રયાસો કરવા સુચવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...