સિન્ડિકેટની કાર્યવાહી:સરદાર પટેલ યુનિવર્સિટીના કથિત 37.30 કરોડનું કૌભાંડ હિસાબી અનિયમિતા?, ચીફ એકાઉન્ટ ઓફિસર સસ્પેન્ડ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિસાબોનું ઓડિટ કરનારી કે.જી. પટેલ કંપનીને બ્લેક લીસ્ટ કરવા સહિતના નિર્ણયો સિન્ડીકેટમાં લેવાયાં
  • સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય જેવી સંસ્થા તપાસ કરાવવા સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતની માંગ
  • આટલા મોટા કૌભાંડમાં એક જ વ્યક્તિ પર જવાબદારી ઢોળી મોટા માથાને બચાવી લેવાનો સિન્ડીકેટ સભ્યોનો આક્ષેપ

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કથિત 37.30 કરોડના કૌભાંડમાં પૂર્વ ન્યાયધિશ ડી.જી. કારિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ સંદર્ભે મંગળવારે યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટમાં ચીફ એકાઉન્ટ ઓફિસર એન.કે. ભટ્ટની બેદરકારી પ્રત્યે જવાબદાર ગણી સસ્પેન્ડ કરવા અને યોગ્ય રીતે ઓડિટ ન કરવા બદલ કે.જી.પટેલને બ્લેક લીસ્ટ કરવા સુધીના નિર્ણયો લેવામાં આવ્યાં છે. જોકે, સમગ્ર પ્રકરણમાં કેટલાક સિન્ડીકેટ સભ્યોએ મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આટલા મોટા હિસાબી ગોટાળામાં એક જ વ્યક્તિ કેવી રીતે જવાબદાર ગણી શકાય ? એક જ વ્યક્તિ પર કાર્યવાહી કરી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવા સુધીની પેરવી થઇ રહી હોવાના આરોપ લાગી રહ્યા છે. આથી, આ અંગે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય જેવી સંસ્થા તપાસ કરે તો સમગ્ર પ્રકરણ બહાર આવી શકે છે.

સરદાર પટેલ યુનિવર્સિટીની મંગળવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. યુનિવર્સિટીના સાત દાયકામાં ન લેવાયેલો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં છેલ્લા કેટલાક વખતથી વિવાદાસ્પદ બનેલા 37.30 કરોડના કથિત કૌભાંડનો અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ યુનિવર્સિટીના હિસાબોમાં કોઇ છેતરપિંડી કે કૌભાંડ થયું નથી. જોકે, ચીફ એકાઉન્ટ ઓફિસર નરેશ કે. ભટ્ટ અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઓડિટર દ્વારા ફરજ નિભાવવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે.

આ ઉપરાંત વર્તમાન ઓડિટરે પણ નાણાકીય વર્ષ 2017-18 અને 2018-19ના તેમના ઓડિટ રિપોર્ટમાં 29.22 કરોડની અનિયમિતતા દર્શાવવામાં નિષ્ફળ રહેવામાં ભુલો અને ક્ષતિઓ કરી છે. નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 2019-20 માટે તેમના ઓડિટ રિપોર્ટમાં 8.08 કરોડ અને 2017-18 તથા 2018-19 માટે એક સાથે આંતરિક ઓડિટ અને એસપી યુનિવર્સિટીના વૈદ્યાનિક ઓડિટની સોંપણીઓ સ્વીકારવી, જે આચારસંહિતાની કલમની વિરૂદ્ધ છે.

સિન્ડીકેટ બેઠકમાં રિપોર્ટ પર સિન્ડીકેટ સભ્યો અને કુલપતિ વચ્ચે ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી.જેમાં બાયો સાયન્સની આગમાં ચીફ એકાઉન્ટટન્ટ એન. કે. ભટ્ટે પ્રીમિયમ ન ભરીને વીમો રીન્યુ કરાવ્યો નહોતો અને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. ઉપરાંત રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળામાં વર્ષ 2014-15ના નાણાંકીય વર્ષ દરમિયાન મળી આવેલી 1649 એન્ટ્રીઓ બેલેન્સ શીટ સાથે ટેલિ ન થતી હોવાનું અને તેને પગલે રૂપિયા 37.30 કરોડના હિસાબી અનિયમિતા ઝડપાઈ હતી.આ સમગ્ર અહેવાલ બાદ મુખ્ય હિસાબી અધિકારી એ.કે. ભટ્ટને સસ્પેન્ડ કરવા અને ઓડિટમાં બેદરકારી બદલ ચાર્ટર્ડ ફર્મ મેસર્સ કે.જી. પટેલ એન્ડ કંપનીને બ્લેક લીસ્ટ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારની તપાસ ઈડી અને સીબીઆઈ કરે તે જરૂરી
મહત્વનું છે કે આ રિપોર્ટ અને સજાકીય નિર્ણય સંદર્ભે સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર પ્રકરણમાં એક જ વ્યક્તિ પર જવાબદારી ઢોળવી અને તે પણ બેદરકારી ગણી સસ્પેન્ડ કરવા સુધીના જ પગલાં ભરવા તે યોગ્ય નથી.આ સરદાર પટેલ યુનિવર્સિટીને વહીવટી બદનામ કરતી ઘટના છે.આ ભ્રષ્ટાચારની તપાસ ઈડી અને સીબીઆઈ કરે તે જરૂરી છે. તટસ્થ તપાસ કરવી જોઈએ. આરોપી સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ. નિર્દોષને સજા થાય અને દોષિત છુટી જાય તે અન્યાય કહેવાય. હાલ યુનિવર્સિટી કલંકિત થઇ રહી છે.

સીબીઆઈ તપાસ માટે સરકારમાં ભલામણ કરવામાં આવશે
સિન્ડિકેટ સભ્યોના આક્ષેપ મુદ્દે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ યુનિવર્સિટીની મંગળવારે યોજાયેલી સિન્ડીકેટ બેઠકમાં હિસાબી ગોટાળા સંદર્ભમાં નાણાકીય ઉચાપત નથી થઈ પરંતુ હિસાબી અનિયમિતા સામે આવી છે.જે કારણે મુખ્ય હિસાબી અધિકારી એન.કે.ભટ્ટને જવાબદાર ઠેરવી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ખાતાકીય તપાસ કરવામાં આવશે. જોકે, સિન્ડીકેટ સભ્યોની માગણી સીબીઆઈ અને ઇડીની તપાસની છે. તે મારા પાવરમાં નથી. આ અંગે સરકારમાં ભલામણ કરવામાં આવશે. આ બેઠકમાં પ્રાધ્યાપકોને માન્યતા સહિતના વિવિધ મુદ્દા મંજુર કરવામાં આવ્યાં હતાં.

ઘરના જ ભુવા અને ઘરના જ ડાંકલા, તપાસ ન્યાયિક થાય તેવી માંગ છે
સમગ્ર મામલે અમારી માંગ એવી છે કે, સીબીઆઆઈ કે ઈડી દ્વારા તપાસ કરવામાં આવે. કારણ કે, લોકલ કમિટી દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે તપાસ તો ઘરના ભુવા અને ઘરનાં જ ડાંકલા જેવી છે. કોઈ દોષિત છૂટી જાય અને નિર્દોષ જવાબદાર ઠરે એ ન ચાલે. સમગ્ર મામલે ન્યાયિક તપાસ થાય એ જરૂરી છે. > અલ્પેશ પુરોહિત, સિન્ડીકેટ સભ્ય.

સરદાર પટેલના સ્ટેચ્યુ માટે 21 લાખનું દાન જાહેર કરાયું
દાતા દેવાંગ પટેલ દ્વારા રૂપિયા 21 લાખનું દાન જાહેર કરાયું છે. આ દાન સરદાર પટેલના સ્ટેચ્યુ માટે જાહેર કરાયું છે. આ ઉપરાંત, રૂપિયા 11 લાખનું દાન ઈનામ વિતરણ માટે જાહેર કરાયું છે. એજન્ડામાં અન્ય મુદ્દાઓમાં અધ્યાપકોની માન્યતા, ઓન ધ સ્પોટ કમિટીએ આપેલા સાત રિપોર્ટ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.

CBI તપાસ અંગે સરકારને જાણ કરીશું
​​​​​​​ સભ્યોએ એવી માંગ કરી છે કે, સીબીઆઈ તપાસ કરે. પરંતુ જ્યારે સીબીઆઈ તપાસ કરે ત્યારે રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારને જણાવવું પડે છે. તેમની મંજૂરી લેવી પડે. આ સ્થિતિમાં અમે રાજ્ય સરકારને પત્ર લખીને સમગ્ર રિપોર્ટ સરકારને મોકલી આપીશું. સરકાર તપાસ કરે.> શિરીષ કુલકર્ણી, વીસી, SP યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...