ચર્ચાના ચકડોળ:બોરસદ નગર પાલિકાના સફાઇ કર્મીઓએ પગાર મુદ્દે COને ઘેર્યાં

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં હિસાબ નામંજૂર કરાયો હોય પગાર અટવાયો

બોરસદ નગરપાલિકા છેલ્લાં કેટલાક દિવસથી ચર્ચાના ચકડોળે ચઢી છે.ગત 30મીના રોજ પાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં આપ અપક્ષ -કોંગ્રેસ અને ભાજપના કાઉન્સિલરોએ પ્રમુખ અને ઉપપ્રમુખના પક્ષ તરફી નિર્ણય લઇ 28 કામ પૈકી 17માં સુધારો આપી વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ લઘુમતીમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ 2 ઓગષ્ટના રોજ પાલિકાના 16 જેટલા કાઉન્સિલરોએ પ્રમુખની કામગીરીથી નારાજ થઇ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે ગુરૂવારે પાલિકા ખાતે સફાઈ કામદારોએ પગાર મુદ્દે આંદોલન કરી ચીફ ઓફિસરનો ઘેરાવો કરતા ફરી એક વાર નગરપાલિકા ચર્ચાના ચકડોળે ચઢી છે

બોરસદ નગરપાલિકામાં અત્યારે સ્વભંડોળમાં પૈસા ના હોઈ તેમજ ગત બોર્ડમાં હિસાબોના કામોમાં સુધારા આપવામાં આવ્યા હોઈ પાલિકાના ચીફ ઓફિસર વાય.જે.ગણાત્રા દ્વારા સફાઈ કામદારોનો પગાર કરવામાં આવ્યો નથી. જેને લઇ સફાઈ કામદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાના ચીફ ઓફિસરે હિસાબના કામો નામંજુર કર્યા હોઈ તેમજ પાલિકામાં સ્વભંડોળમાં પૈસા જ નથી તો પગાર કરવો કઈ રીતે તે સવાલ ઉભો થયો છે.

પગાર મુદ્દે સફાઈ કામદારોએ પાલિકામાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘુસી ભારે હોબાળો મચાવી દીધો હતો ત્યારે ચીફ ઓફિસરે પગાર મુદ્દે કોઈ હકારાત્મક જવાબ ના આપતા ઉશ્કેરાયેલા સફાઈ કામદારોએ નગરપાલિકાના મુખ્ય દરવાજાઓ બંધ કરી દીધા હતા. જેથી ચીફ ઓફિસર બહાર જઈના શકે પગાર મુદ્દે ચીફ ઓફિસરને પાલિકામાં ઘેરવામાં આવતા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ તાત્કાલિક બોરસદ પોલીસને જાણ કરી હતી કે ચીફ ઓફિસરની ફરજમાં રૂકાવટ ઉભી કરવામાં આવી રહી છે. જેને લઇ પોલીસ દોડી આવી હતી અને સફાઈ કામદારોને સમજાવ્યા હતા.

પાલિકાના સ્વભંડોળમાં નાણાં નથી : સીઓ
આ અંગે ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું કે સફાઈ કામદારો આજે પગાર મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ 30/07ના બોર્ડમાં નગરપાલિકાના તમામ હિસાબો નામંજુર થયા છે એટલે એમાં જે અગાઉ ચૂકવેલા પગાર છે એ ખર્ચ પણ નામંજૂર કરેલ છે. એટલે જવાબદારીનો પ્રશ્ન ઉભો થઇ શકે છે. જે બાબતમેં સફાઈ કામદારોને જણાવી છે તેમજ નગરપાલિકામાં તમામ પગાર 50 લાખ રૂપિયા થાય છે.

જેમાં સફાઈ કામદારોના 21 લાખ જેટલો પગાર થાય છે પરંતુ આજની તારીખમાં નગરપાલિકા પાસે પૂરતું સ્વભંડોળ નથી. અત્યારે પાલિકા પાસે 9 લાખ જેટલું સ્વભંડોળ છે જેથી પગાર કરી શકાય તેમ નથી. અમે સફાઈ કામદારોને અઠવાડિયું રાહ જોવાનું કહ્યું છે પરંતુ સફાઈ કામદારો ઉગ્ર બની ગયા હતા અને મને નગરપાલિકામાંથી બહાર નહીં જવા દેવા માટે ઝાપા બંધ કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...