“વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ”:આણંદમાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન ખુલ્લું મુકાયું, સરકારની 20 વર્ષની વિકાસ ગાથાને રજૂ કરાઈ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 સખી મંડળોએ તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શને નાગરિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું
  • આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરવાનું કામ સરકારે કર્યુઃ સહકાર રાજય મંત્રી

રાજય સરકાર દ્વારા “વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ” કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શન 15 જૂન 2022 સુધી સવારના 10 થી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લું રહેશે. જેનો શહેરના તથા જિલ્લાના નાગરિકોને લાભ લેવા સહકાર રાજય મંત્રીએ અપીલ કરી હતી.

સખી મેળામાં અનેક વસ્તુઓ વેચાણ માટે ખુલ્લી મુકાઈ

આણંદ-વિદ્યાનગર રોડ ઉપર બીગ બજારની બાજુમાં આવેલા વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સખી મેળામાં 50 સ્ટોલમાં જિલ્લાના વિવિધ તાલુકાના સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજવસ્તુઓ જેવી કે, હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, કુર્તી, ખાદ્યસામગ્રી, કટલરી સહિતની અન્ય વસ્તુઓનું વેચાણ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રાજકીય મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઈ સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કરી હતી.

કોઇપણ નાગરીક વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારે શ્રેણીબદ્ધ આયોજન કર્યાઃ જગદીશ વિશ્વકર્મા

રાજયના સહકાર રાજય મંત્રી જગદીશ વિશ્વકર્માએ સરકારની ગરીબલક્ષી જનહિતની યોજનાઓ હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લઇ પંથ કે વર્ગના ભેદભાવ વિના આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અને “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે સખી મેળાના માધ્યમથી અને ગુજરાત સરકારની 20 વર્ષની વિકાસ યાત્રાના માધ્યમથી સાકાર કરવાનું કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રાજયનો કોઇપણ સમાજ વર્ગ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારે શ્રેણીબધ્ધ આયોજન કરીને ગરીબ પરિવારોને જનકલ્યાણ યોજનાઓના લાભ મળે તે માટે રાજય સરકાર મક્કમ હોવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

સરકારની વિવિધ યોજનાઓની ગાથા વર્ણવી

તેમણે વધુમાં મહિલાઓના ઉત્થાન અને સશકિતકરણ માટે રાજય સરકારે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓની ગાથા વર્ણવી હતી. ઘરે ઘરે શૌચાલયો, 181 મહિલા અભયમ હેલ્પ લાઇન, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓનો તેઓએ ચિતાર આપી સરકારે 20 વર્ષના વિશ્વાસ અને વિકાસ થકી ડોર ટુ ડોર કલેકશન, 24 x 7 વીજળી, ગામે ગામ ઓપ્ટીકલ ફાયબર દ્વારા ડીજીટલ સેવાઓ, સેવા સેતુ, સ્વસહાય જૂથોને આર્થિક સહાય, મનેરગા દ્વારા રોજગાર, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલી સિધ્ધિઓની ગાથા વર્ણવી હતી.

સાંસદે સરકારની વિવિધ યોજનાની વિગતો આપી

આ પ્રસંગે આણંદના સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન-વન રેશન જેવી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલી સિધ્ધિઓની વિગતો આપી હતી. તેમજ કેન્દ્ર અને રાજય સરકારે વિકાસની નવી કેડી કંડારીને રાષ્ટ્રને એક નવી ઊંચાઇએ ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે ત્યારે વિકાસમાં હંમેશાં અગ્રેસર રહેલા રાષ્ટ્ર અને ગુજરાતને હજુ વધુ આગળ લઇ જવા સંકલ્પબધ્ધ થવાની સાથે આ અવરિત વહેતી વિકાસ યાત્રામાં સહભાગી થવા જણાવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ વિપુલ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, અગ્રણી મયુર સુથાર, નીરવ અમીન, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...