લૂંટ:આણંદના આંકલાવ પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની લૂંટ, સુરતથી મુસાફરના સ્વાંગમાં બેસેલા શખ્સોએ છરીની અણીએ ડ્રાઈવરને બંધક બનાવી ગુનાને અંજામ આપ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગંભીરા પાસે ટ્રક ચાલકને ઉતારી દેવાયો, લોખંડ અને ટ્રક સહિત 19 લાખનો મુદ્દામાલ લઈ ત્રણ શખ્સો ફરાર

આંકલાવના ગંભીરા પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની સનસનાટી ભરી લૂંટ થઇ હતી. ઉધનાની બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ભરી ભાવનગર જવા નીકળેલાં ટ્રક ચાલકે ચા પાણી માટે સુરત રોકાયો હતો. આ સમયે મુસાફરના સ્વાંગમાં ત્રણ યુવક ટ્રકમાં જોડાયાં હતાં. બાદમાં તેઓએ છરીની અણીએ ટ્રક ચાલકને બંધક બનાવી તેને ગંભીરા ઉતારી દઇ લોખંડ અને ટ્રક સહિત રૂ.19 લાખનો મુદ્દામાલ લૂંટીને ફરાર થઇ ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે અજાણ્યા ત્રણ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતા પરેશભાઈ કરેણીયા છેલ્લા દસેક માસથી ભાવનગરની રવેચી કૃપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને વર્ધી પ્રમાણે ટ્રક ફેરવે છે. પરેશ 11મી સપ્ટેમ્બરના રોજ ભાવનગરથી ટ્રકમાં કોલસા ભરી સુરત પાંડેસરા સિદ્ધી વિનાયક મીલમાં જવા નીકળ્યો હતો અને બીજા દિવસે સાંજના પાંચેક વાગે પાંડેસરા પહોંચી ટ્રક ખાલી કરી હતી. પરેશભાઈના શેઠ અશ્વિનભાઈ કેરાસીયાએ ફોન કરી નજીકની હોટલમાં રોકાવા જણાવ્યું હતું.

આ દરમિયાન 16મી સપ્ટેમ્બરના રોજ પરેશને ઉધના સ્વામીનારાયણ મંદિરની બાજુમાં આવેલી બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર લાવવાની સુચના આપતાં પરેશ ત્યાં પહોંચ્યો હતો અને ટ્રકમાં 25 ટન જેટલો લોખંડનો ભંગાર ભરી રાત્રીના 11-30 વાગે ભાવનગર જવા નીકળ્યો હતો. પરેશ ટ્રક લઇ સુરતની બહાર હાઈવે પર આવતાં રાજ હોટલે ચા પીવા ઉભો રહ્યો હતો. આ સમયે ત્યાં ઉભેલા આશરે 25થી 30 વર્ષના ત્રણ યુવકે ભાવનગર લઇ જવા જણાવ્યું હતું. ભાડાની લાલચમાં પરેશે ત્રણેયને ટ્રકમાં આગળના ભાગે બેસાડી દીધાં હતાં.

આ દરમિયાનમાં જંબુસર નજીક મુવાલ ચોકડી પસાર કરતાં આશરે સાડા ચારેક વાગે આ યુવકોએ છરી બતાવી ટ્રક ઉભી રખાવી હતી અને પરેશને બાજુમાં ખેંચી લઇ ટ્રકની અંદર કેબીનમાં દબાવી દીધો હતો. બાદમાં દોરડાથી બાંધી દીધો હતો. બે યુવક છરી લઇ બેઠેલા તથા ત્રીજાએ ટ્રક ઉપાડી હતી. ગંભીરા બ્રીજ પસાર કરી ગંભીરા ચોકડી તરફ આવતા હતા ત્યારે સવારના આશરે છ વાગે તેઓએ રોડની સાઇડમાં ટરક ઉભી કરી દીધી અને પરેશને ધક્કો મારી ગાડીમાંથી નીચે ઉતારી દઇ તેઓ ટ્રક લઇ જતાં રહ્યાં હતાં.

મહત્વનું છે કે લૂંટારૂઓ ટ્રક જતાં રહેતાં જેથી પરેશે બુમાબુમ કરી હતી. પરંતુ લૂંટારું લોખંડનો ભંગાર ભરેલી ટ્રક લઇ ગંભીરા ચોકડી તરફ જતા રહ્યાં હતાં. આ અંગે નજીકની એક હોટલ પર પહોંચી ફોન કરી હતી. આખરે તેઓએ પોલીસ મથકે ફરિયાદ આપવાનું કહેતાં આંકલાવ પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખસ સામે છરીની અણીએ રૂ.7 લાખનો ભંગાર અને રૂ.12 લાખના ટ્રકની લૂંટની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...