લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં:આણંદમાં વરસાદ બાદ માર્ગો પર હજુ પાણી ઓસર્યા નથી, ગંદકી અને કાદવ કીચ્ચડને લઈ સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન

આણંદ3 મહિનો પહેલા
  • રહેણાંક સોસાયટીઓમાં અવરજવર માટેના માર્ગો જોખમી અને જીવલેણ બન્યાં

આણંદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નગરપાલિકાના અનેક વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર પાણી હજુ પણ ઓસર્યા નથી અને જ્યાં ઓસર્યા છે ત્યાં ગંદકી અને કાદવ કિચ્ચડને લઈ રાહદારી અને વાહનચાલકોનું અવરજવર જોખમી બન્યું છે. નગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. આણંદની નાની ખોડિયાર, મોટી ખોડિયાર અને ગંગદેવ નગર તેમજ 100 ફૂટ રોડ સહિતના માર્ગો અને આ વિસ્તારના રહેણાંક સોસાયટીઓમાં અવરજવર માટેના માર્ગો જોખમી અને જીવલેણ બની રહ્યા છે. અહીં પાડવા અખડવાના બનાવો પણ વધ્યાં છે. વૃદ્ધ અને બાળકો તેમજ રાહદારીઓ આ માર્ગેથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે.

અનેક વિસ્તારમાં કાદવ કીચ્ચડ
આણંદ નાની ખોડિયાર અને મોટી ખોડિયાર વિસ્તારમાં તેમજ ગંગદેવનગર ઉપરાંત નાકા વાળા હનુમાન સામેનો વિસ્તાર સહિતના વિસ્તારમાં નાગરિકો મુશ્કેલીની મુશકેલીમાં પારાવાર વધારો થયો છે. વળી આઇરીશ હોસ્પિટલની સામેના પનઘટ હોટલ વાળા ખાંચામાં જોઈએ તો, ટી સ્કેવર હોસ્પિટલ, લાઈફલાઇન હોસ્પિટલ, કુસુમ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ, નવજીવન હોસ્પિટલ, તેમજ 100 ફૂટ રોડે થી શાશ્વત હોસ્પિટલના ખાંચામાં કાદવ કીચ્ચડ જોવા મળી રહ્યું છે. સ્પંદન હોસ્પિટલ, પ્રિયા, હોસ્પિટલ ,ઓર્થોપેડિક હોસ્પિટલ ,સહિતની પ્રસિધ્ધ હોસ્પિટલો માં દર્દીઓ અને તેમના સાગા વ્હાલાને અવરજવરમાં ત્રાસ દાયક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વળી આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો અને કિચ્ચડને લઈ મોટી સોસાયટીઓ અને ફ્લેટમાં રહેતા 25 હજારથી વધુ નાગરિકોના આરોગ્યને ખતરો ઉભો થયો છે.
પ્રાથમિક સુવિધાનો અભાવ
મહત્વનું છે કે, આણંદ નગરપાલિકામાં ભાજપ 22 વર્ષથી સત્તાસ્થાને છે નેતાઓના ઘરો અને ધંધાઓનો વિકાસ થયો પરંતુ નગરમાં સામાન્ય અને ગરીબ નાગરિકોના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં વહીવટી નિષ્ફળતા સ્પષ્ટ જણાઈ આવે છે. ચૂંટાયા પછી વિકાસના કામોનું નિરીક્ષણ કરી ચોમાસા પહેલા કામો પતાવવાનો દાવો કરતા સત્તાધીશો માત્ર સ્થળ વિઝીટ કરી એન્જીનીયર અને કોન્ટ્રાકટરને સમયસર ઝડપી કામ કરવાની સૂચના આપે છે.

છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી પાણી ભરાવાની સમસ્યાઃ સ્થાનિક
આ અંગે વિસ્તારના યુવા આગેવાન પ્રકાશ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી આ વિસ્તારમાં ગંદકી અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે. વાહનચાલકો ,રાહદારીઓ ,વૃદ્ધો અને બાળકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે. બાળકોને શાળાએ જવામાં અસહ્ય પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા વહેલી તકે રોડ બનાવી આપે નહીતો મેટલ ,ગ્રીટ પાથરી રસ્તો સરખો કરી આપે તે વિસ્તારના નાગરિકોના આરોગ્યહિતમાં રહેશે.
માત્ર ઠાલા આશ્વાસન આપવામાં આવે છે
આ અંગે સ્થાનિક રહીશ બળદેવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, નાની ખોડિયાર વિસ્તારમાં 10 વર્ષ થી આ સમસ્યા છે. કોઈ રાજકીય આગેવાન કે નગરપાલિકા સભ્યો આ પરિસ્થિતિમાં ફરકતા પણ નથી. ફરિયાદ કરીએ તો નગરપાલિકામાં કોઈ જવાબ મળતો નથી અને સાફ સફાઈની દેખાવ પૂરતી કામગીરી થાય તેમજ માત્ર ઠાલા આશ્વાસન આપવામાં આવે છે. સ્થાનિક વૃદ્ધ ગોવિંદભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તે ડાયાબિટીસના દર્દી છે. ચાલવાનો નિત્યક્રમ છે. હાલ કાદવ કિચ્ચડ ગંદકીમાં ચાલવા નીકળવું જોખમ ભરેલ છે.નગરપાલિકા વાળા રોડ બનાવતા નથી, ગંદકી દૂર કરતા નથી, શુ કરીએ ? કોઈ જ સાંભળતું નથી.
બાળકોને ઘર બહાર મોકલવા જીવ નથી ચાલતોઃ સ્થાનિક
આ અંગે સ્થાનિક રહીશ ગીતાબેન પ્રજાપતિએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા ઘર પાસે જ ગંદકીનો મોટો ખાડો છે. બાળકોને ઘર બહાર મોકલવા જીવ નથી ચાલતો. સામાજિક વ્યવહાર પણ ખોરવાયો છે. મહેમાનો અને સગા વ્હાલા અમારે ઘરે આવવાનું ટાળે છે. અમે ઘર બહાર નીકળીએ તો પણ પડવા આખડવાના ડર લાગે છે.

અન્ય સમાચારો પણ છે...