પેટલાદ તાલુકાના ચાંગા ગામે ડેમોલ -મલાતજ રોડ પર આવેલી ખંભાત શાખાની કેનાલના ગરનાળા પુલની સંરક્ષણ દિવાલ બેવર્ષ પહેલા તૂટી ગઇ હતી. તેમજ બાકીની દિવાલ જર્જરીત હોવાથી રસ્તે પસાર થતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. દર વર્ષે કેનાલ અને ગરનાળાના સમારકામ પાછળ લાખો રૂપિયા ચોપડે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સમારકામ થતું નથી. ત્યારે ગામના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક સંરક્ષણ દિવાલ નવી બનાવવાની માંગ કરી છે.
ચાંગા ડેમોલ મલાતજ રોડ પરથી ખંભાત શાખાની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ નહેર પર બનાવેલ ગરનાળાની સંરક્ષણ દિવાલ તૂટી ગયે બે વર્ષ થઇ ગયા હોવા છતાં આજદિન સુધી કોઇ સમારકામ કરવામાં આવ્યું નથી કે આડસ પણ મુકવામાં આવી નથી. જ્યારે બાકી દિવાલ જર્જરીત હાલતમાં છે.
જ્યારે આ રોડ પરથી ડેમોલ, મલાતજ, ડભોઉ, સોજીત્રા તેમજ ચાંગા બાયપાસથી ચારૂસેટ કોલેજ, વલેટવા, નડિયાદ, વડતાલ જતાં વાહનો અવરજવર કરે છે. જેથી ક્યારેક કોઇ મોટુ વાહન સંરક્ષણ દિવાલના અભાવે કેનાલમાં ખાબકે તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે. જે અંગે અગાઉ પણ સિંચાઇ વિભાગ સહિત મહિ કેનાલ વિભાગે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ જ પગલાં લેવાતા નથી. જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કેનાલ પર સંરક્ષણ દિવાલ બનાવવા માટે કલેક્ટરમાં લેખિત રજૂઆત કરાઇ
ચાંગા ડેમોલથી મલાતજને જોડતા માર્ગ પર આવેલી કેનાલના ગરનાળાની દિવાલ બે વર્ષ પહેલા તુટી ગઇ હતી. જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઇ વિભાગ દ્વારા રજૂઆત કરવાં છતાં કોઇ જ પગલાં ન લેવાતાં આખરે ગામના નાગરિકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરી છે. - અમિત મનહરભાઇ પારેખ, સ્થાનિક રહીશ ,ચાંગા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.