રિક્ષા પલટી જતાં બે મુસાફરના મોત:તારાપુરમાં ચાલકની બેદરકારીના કારણે રિક્ષા પલટી, બેના મોત અન્ય મુસાફર ઘાયલ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામેથી આવતી ગાડીને જોઇ ચાલકે કાવુ મારતા રિક્ષા પલટી ગઈ

તારાપુર નજીક પુરપાટ ઝડપે જતી રિક્ષા ચાલકે સામેથી આવતા વાહનથી બચવા રોડ બાજુમાં રિક્ષા લીધી હતી, પરંતુ રિક્ષા પલટી જતાં તેમાં સવાર બે મુસાફરના મોત નિપજ્યાં હતાં. આ અંગે તારાપુર પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તારાપુરના સરવર સોસાયટીમાં રહેતા પરવીનબાનુ સલીમમીયાં મલેક તેમના બે પુત્ર રિઝવાન અને અસદને લઇને રાલજ ગામે પિયરમાં પિતા મહેમુદમીયાંના ઘરે ઉનાળુ વેકેશન કરવા ગયાં હતાં. તેઓ સપ્તાહ રોકાયા બાદ 20મી મેના રોજ સવારના 11 વાગ્યાની આસપાસ પરવીનબાનુ અને તેમના બે પુત્રને સાસરીમાં મુકવા માટે મહેમુદમીયા રિક્ષામાં નીકળ્યાં હતાં. તેઓ ખંભાત ત્રણબત્તી વિસ્તારમાં પહોંચી તારાપુરની શટલમાં બેઠાં હતાં.

આ શટલ રિક્ષામાં અન્ય કેટલાક મુસાફરો પણ હતાં. ઉંટવાડાથી ચાલકે રિક્ષા પુરઝડપે ચલાવી હતી અને ગરનાળું વટાવી નહેર નજીક પહોંચતા સામેથી એક ગાડી આવતા રિક્ષા ચાલકે એકદમ કાવુ મારી રોડને નીચે ઉતારી દીધી હતી. જોકે, ચાલકની બેદરકારીના કારણે રિક્ષા કંટ્રોલમાં રહી ન હતી અને પલટી ગઇ હતી. જેના કારણે તેમાં સવાર મુસાફરોને નાની - મોટી ઇજા પહોંચી હતી અને ચિચિયારી કરી મુકી હતી. આથી, આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને તુરંત 108ની મદદથી ઘવાયેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં મહેમુદમિયાં અલ્લારખા મલેકને સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે આણંદની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું.

આ ઉપરાંત રિક્ષામાં સવાર ચંદુભાઈ સોલંકીનું પણ સારવાર દરમિયાન વડોદરા હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...