સમીક્ષા બેઠક:આણંદમાં સુજલામ સુફલામ જળ અભિયાન કામગીરીની સમીક્ષા કરાઈ, કાંસની સફાઇથી લઇ તળાવો ઉંડા ઉતારવાના કામો કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં જળસંગ્રહ શક્તિ વધારવા સવા સાત સો કામનો માસ્ટર પ્લાન બન્યો
  • કલેક્ટર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો

સુજલામ સુફલામ જળ ઝુંબેશના ભાગરૂપે ચાલતી જળ અભિયાનની કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં આ અભિયાન અંતર્ગત નાના-નાના ગામડાંઓની સાથે પાણીની જરૂરિયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા સંબંધિત વિસ્તારોમાં કામો સમયસર શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ 2018થી ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ચાલુ વર્ષે 19મી માર્ચથી આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા અને કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી ખાતે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરે નાના-નાના ગામડાંઓની સાથે પાણીની જરૂરિયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા સંબંધિત વિસ્તારોમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો, નદીઓના કાંસની સાફ-સફાઇ, કેનાલની સફાઇ, ખેત તલાવડી, ચેકડેમ રીપેરીંગ જેવા કામો સમયસર શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠક દરમિયાન સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનાર 700થી વધુ કામો પૈકી કેટલાં કામો શરૂ થયા, કેટલાં કામો પૂરાં થયા, કેટલા કામો પ્રગતિમાં છે તેની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર કામો સહિત લોકભાગીદારીથી હાથ ધરવામાં આવનાર કામોની સમીક્ષા કરી જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરી સમયસર મેળવી લઇને કામો ઝડપથી શરૂ થાય અને પૂરાં થાય તે જોવાનું જણાવી સંબંધિત અધિકારીઓને જળની જાળવણી – જળ સંગ્રહની અગત્યતાને સમજી કામો પૂરાં કરવા સુચવ્યું હતું. આ બેઠકમાં કાર્યપાલક ઇજનેર મનોજ પરમાર સહિત સુજલામ સુફલામ જળ અભિયાન સાથે સંકળાયેલ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...