કડક શબ્દોમાં સૂચના:પેટલાદ મામલતદાર કચેરીમાં મહેસુલ મંત્રીએ સરપ્રાઇઝ ચેકીંગ કર્યું, અનેક ક્ષતિઓ નજરે આવતાં કડક સૂચના આપી

આણંદ18 દિવસ પહેલા
  • મામલતદાર કચેરીનો વહીવટ નહીં સુધરે તો ગંભીર પગલાં ભરાશે: મહેસુલ મંત્રી

આણંદ જિલ્લાની મામલતદાર કચેરીમાં ચાલતી લોલમલોલ બાબતે મહેસુલ મંત્રી પણ હવે અજાણ રહ્યાં નથી. જિલ્લામાં આત્મનિર્ભરના પ્રારંભના પ્રસંગે આવેલા મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ અચાનક પેટલાદ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. જેમાં તેમની નજરમાં અનેક ક્ષતિ નજરમાં આવી હતી. આ અંગે તેઓએ કડક શબ્દમાં તાકીદ કરી સુધરી જવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગંભીર પગલાં ભરવાની પણ ચીમકી આપી હતી. જોકે, આ અંગે મામલતદારે કચેરી કામકાજ અંગે કોઈ જ કર્મચારીને નોટિસ આપવી પડે તેવી ક્ષતિ જણાઈ નથીની બચાવ કર્યો છે.

સોજિત્રાના દેવા તળપદ ગામેથી વડાપ્રધાનના આત્મનિર્ભર ગામની વિભાવનાને સાકાર કરવા તથા ગુજરાતના નાગરિકોને જનસુખાકારીના લાભો ઝડપથી મળી રહે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુરૂવારે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ અચાનક પ્રોટોકોલ છોડીને પેટલાદ મામલતદાર કચેરીની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું અને સામાન્ય નાગરિકની જેમ જ સીધા મામલતદાર ઓફિસ પહોંચી ગયાં હતાં. જેમાં તેમની નજરમાં અનેક ક્ષતિઓ ચડી હતી. જોકે, આ પ્રથમ વખતનું હોવાથી તેઓએ તાકીદ કરી સુધરી જવા જણાવ્યું હતું, સુધરશે નહીં તો ગંભીર પગલાં ભરવા સુધીની પણ ગર્ભીત રીતે ચેતવણી આપી દીધી હતી.

આ બાબતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પેટલાદ મામલતદાર કચેરીના વહીવટ અંગે અનેક ફરિયાદો મળી હતી. જે ધ્યાનમાં હતી. આથી, સરપ્રાઇઝ ચેકીંગનું આયોજન કર્યું હતું. જોકે, પ્રથમ નજરે જ સહજ રીતે કામ થતું હોય તેવું લાગ્યું નહતું. તેમાંય એક વૃદ્ધાની પુછપરછમાં તેઓએ બે વર્ષથી અરજી કરી હોવા છતાં તેને સહાય મળી ન હોવાનું ધ્યાને ચડ્યું હતું. આથી, ઝડપથી અરજી નિકાલની સુચના આપી છે. જોકે, આ ચેકીંગમાં અનેક ક્ષતિ જણાઇ છે અને જવાબદારોને સુચના આપવામાં આવી છે. ગમે ત્યારે ફરીથી ચેકીંગ કરવામાં આવશે. જો સ્થિતિમાં સુધારો નહીં હોય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અધિકારી કર્મચારીઓનો જાહેરમાં ઉધડો લીધો હતો. તેમ છતાં મહેસુલ વિભાગમાં શિરસ્તો અટક્યો નથી, પરંતુ વધ્યો હોવાનું જણાઈ આવ્યું છે. મહેસુલ મંત્રીએ ગુરૂવારે સોજીત્રાના કાર્યક્રમ બાદ સીધા પેટલાદ સેવા સદનમાં પહોંચી ગયા હતા. મંત્રીને અચાનક આવતા જોઈ અધિકારીઓ કર્મચારીઓ પણ સ્તબ્ધ થયા હતા. મંત્રી અરજદારો અને નાગરિકો તરફ વળી જતા અધિકારીઓ કર્મચારીઓમાં દોડભાગ મચી હતી. મંત્રીની જાત તપાસમાં પેટલાદ સેવા સદનની અનેક ક્ષતિઓ સામે આવી હતી.

પેન્ડીંગ અરજીનો ઝડપી નિકાલ માટે સુચના આપી

આ અંગે પેટલાદના મામલતદાર મહેશ્વરી રાઠોડે જણાવ્યું હતું કે, મંત્રીએ ખાસ કશું કીધું નથી, પરંતુ તપાસમાં પેન્ડીંગ કેસ બાબતે પુછપરછ કરી હતી અને ઝડપી નિકાલ માટે સુચના આપી હતી. રેન્ડમ ચેક કર્યું હતું. પેન્ડીંગ ન રહેવું જોઈએ, સમય મર્યાદામાં અરજી નિકાલ કરવા જણાવ્યું હતું. કર્મચારીઓને નોટીસ આપવી પડે તેવી કોઇ ગંભીર બાબત ધ્યાને આવી નથી.

અન્ય સમાચારો પણ છે...