સંગ્રામ પછી સ્વરાજ:આણંદ જિલ્લામાં 150 ગ્રામ પંચાયતના પરિણામ જાહેર, અન્યમાં મોડી રાત સુધી કામગીરી ચાલી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના વટાવ ગ્રામ પંચાયતમાં ટાઇના પગલે ચિઠ્ઠી ઉછાડી સરપંચની પસંદગી

આણંદ જિલ્લાની કુલ 351 ગામોમાંથી 180 ની મુદત પુરી થઇ ગઇ હોવાથી ગત રવિવારે તેમાં ચૂંટણી માટેનું મતદાન યોજાયા બાદ આજે સવારથી તેની જે તે તાલુકા મથકે મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાંથી રાત્રે 10 સુધીમાં 150 ગામોના પરિણામ જાહેર થઇ ગયા હતા જ્યારે બાકીના મોટા ગામોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. આજે મત ગણતરીના દિવસે કેટલીક પંચાયતોમાં ખૂબ વિસ્મયકારી પરિણામો આવ્યા હતા. સોજીત્રા તાલુકાના વિરોલ(સો) અને લીંબાલી (પંચાયતોના નામ) સહિત કેટલીક પંચાયતોમાં માત્ર 3 વોટથી સરપંચનો વિજય થયો હતો.

સભ્ય પદ માટે પણ આવા અનેક કિસ્સા બન્યા હતા. ઉપરાંત પેટલાદ તાલુકાના વટાવમાં સરપંચ પદ માટેના બંને મુખ્ય ઉમેદવારોને એક સરખા મત મળતા અંતે ચિઠ્ઠી ઉછાળીને પરિણામ જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં કુલ 180 ગ્રામ પંચાયતમાંથી 178 સરપંચ પદ માટે 716 ઉમેદવાર અને 1053 સભ્ય પદ માટે કુલ 2580 ઉમેદવાર મેદાનમાં હતા. ગામે ગામ વિજેતા ઉમેદવારનું ગ્રામજનો દ્વારા અબીલગુલાલ ઉડાળીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિજેતા ઉમેદવારો ગામના મંદિરોમાં જઇને માનતા પુરી કરતાં જોવા મળતાં હતા.

આણંદ તાલુકામાં 26 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેની મત ગણતરી આણંદ ડી. એન. હાઇસ્કુલમાં હાથ ધરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી મત ગણતરીમાં જોડાયેલા અધિકારી અને કર્મચારી જુદી જુદી રૂમમાં જુદા જુદા ગામોની કામગીરી આરંભી દીધી હતી. જે તે ગામના ગણતરીનું કામ હાથધરતા પહેલા ઉમેદવારો અને તેમના એજન્ટો બોલાવીને તેમની હાજરીમાં સ્ટ્રોંગ રૂમમાં મત પેટીઓ લાવીને ખોલવામાં આવતી હતી. તેમાંથી સરપંચ અને સભ્યોના મત જુદા જુદા પાડવામાં આવતાં હતા. જેમાં સભ્યોના મતોની ગણતરી પહેલા કરવામાં આવી હતી.

ત્યારબાદ સરપંચ પંદના ઉમેદવારોની ગણતરી કરાઇ હતી. જિલ્લામાં ખંભાત તાલુકામાં 33 ગ્રામ પંચાયતોની ચૂંટણી હોવા છતાં ઝડપથી મત ગણતરીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં સૌ પ્રથમ ખંભાત તાલુકાના લક્ષ્મીપુરા ગામનું પરિણામ જાહેર થયું હતું. ખંભાતમાં મોડી સાંજ સુધીમાં 29 ગામોનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે.

બોરસદ તાલુકામાં મત ગણતરીમાં વધુ સમય લાગ્યો હતો. તારાપુર તાલુકાની તારાપુર ગ્રામ પંચાચતમાં સોજીત્રાના ધારાસભ્ય પુનમભાઇ પરમાર, આણંદ તાલુકાના વાંસખિલીયા ગામે આણંદના ધારાસભ્યના પુત્ર અને ચિખોદરમાં ઉમરેઠના ધારાસભ્યના પુત્રનો વિજય થયો હતો.

કેટલાક ગામોમાં ભાજપ - કોંગ્રેસના કાર્યકરો હારનો સામનો કરવો પડયો હતો. મત ગણતરી કેન્દ્રો પર સવારથી ઉમેદવારો અને સમર્થકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જેમ જેમ પરિણામો જાહેર થાય તેમ તેમ જે તે ગામોમાં વિજેતાઓના વિજય સરઘસ નીકળ્યા હતા. અમૂક ગામોમાં તંગદિલીભર્યુ વાતાવરણ પણ સર્જાયું હતું.

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી દરેક તાલુકા મથકે હાથ ધરવામાં આવી હતી. આંકલાવ તાલુકાના 13 ગ્રામ પંચાયતની ગણતરી આંકલાવ હાઇસ્કુલમાં હાથ ધરાઇ હતી.જેના પગલે વહેલી સવારથી આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.તેને ધ્યાને લઇને આંકલાવ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરિણામ જાહેર થતાં ઉમેદવારના ટેકાદારો અબીલ ગુલાલની છોળો ઉડાડીને વિજય ઉત્સવ ઉજવતા જોવા મળ્યા હતા. તેમજ ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ સહિતના મતગણતરી કેન્દ્રો પર મોડી રાત સુધી લોકટોળા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...