તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક ત્રાહિમામ:ખંભાત પાલિકાના વોર્ડ નં.3ના રહીશોનો પાણી મુદ્દે હલ્લાબોલ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાત નગર પાલિકામાં વોર્ડ નં.3ના રહીશોએ પાણીના મુદ્દે પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ખંભાત નગર પાલિકામાં વોર્ડ નં.3ના રહીશોએ પાણીના મુદ્દે પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
  • દોઢ લાખના ખર્ચે નવી નાંખેલી પાઈપલાઈન તૂટતાં સમારકામ જ ન કરાયું

ખંભાત નગર પાલિકા દ્વારા થોડાં સમય અગાઉ રૂપિયા દોઢ લાખના ખર્ચે નવી પાઈપલાઈન નાંખવામાં આવી હતી. જે તૂટી જતાં સમારકામની કામગીરીના અભાવે વોર્ડ નંબર ત્રણના રહીશો પાણી માટે ટળવળી રહ્યા છે. છેલ્લાં ત્રણ મહિનાથી પાણી માટે હાલાકી અનુભવી રહેલા રહીશોએ સોમવારે સવારે આ મામલે પાલિકામાં હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. અને જો તેનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ખંભાત નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના આંબાખાડ જલારામ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારો આવેલા છે. છેલ્લાં ત્રણ મહિનાથી રહીશોને પીવાના પાણીની સમસ્યા છે. આ મામલે પાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને પગલે સોમવારે સવારે ત્રણ દરવાજા નગરપાલિકા કચેરી ખાતે સોસાયટીના રહીશો દ્વારા ચીફ ઓફિસર સામે ઉગ્ર રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

નોંધનીય છે કે, સોસાયટીમાં થોડાં સમય પહેલાં જ દોઢ લાખના ખર્ચે નવીન પાઈપલાઈન પાલિકા દ્વારા નાંખવામાં આવી હતી. જોકે, ટૂંક સમયમાં તૂટી ગઈ હતી. તેના સમારકામમાં વિલંબ સર્જાતા રહીશોને છેલ્લાં ત્રણ મહિનાથી પાણી મળી રહ્યું નથી. આ મામલે અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પાલિકા દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને સ્થાનિકોએ આજે પાલિકામાં હલ્લાબોલ કરીને ઉગ્ર રજૂઆત કરી હતી. વધુમાં જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રેલવે દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી
વોર્ડ નંબર 3 ના રહીશોને પાણી આપવા માટે નવી પાઇપ લાઈન નાંખવી પડશે. સમસ્યા એ છે કે રેલવે લાઈન ક્રોસ કરીને પાણીની પાઈપ લાઈન નાંખવી પડે તેમ છે. આ માટે રેલવે પાસે મંજૂરી માટે બે-બે રિમાઈન્ડર મોકલ્યા છે. આમ છતાં રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે કામ ખોરંભે પડ્યું છે. હાલમાં તંત્ર દ્વારા ટેન્કર મોકલીને તેમજ જે તે વિસ્તારમાં બોરનું આયોજન કરી હંગામી ધોરણે પાણી આપી રહ્યા છે. જોકે, સમસ્યાનું ત્વરિત ઉકેલ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. > જિતેન્દ્રભાઈ ડાભી, ચીફ ઓફિસર, ખંભાત નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...