કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું સંશોધન:‘પીળી નશ’ રોગમુક્ત ગુજરાત આણંદ ભીંડા-5 જાતનું સંશોધન

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ કૃષિ યુનિ. દ્વારા ઉત્પાદનમાં વધારો કરી આપતી ભીંડાની આ જાતનું વાવેતર કરવા ભલામણ કરાઈ

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ‘પીળી નશ’ના રોગથી મુક્તિ અપાવતી ગુજરાત આણંદ ભીંડા-5 જાતનું સંશોધન કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, આ જાત અગાઉની જાત કરતાં વધુ ઉત્પાદન આપશે. ખેડૂતોને આ જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરાઈ છે.

આ અંગે વાત કરતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કે. બી. કથીરીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભીંડાની જાતમાં પીળી નશનો રોગ જોવા મળતો હોય છે. જેને પગલે ખેડૂતોને જે તે સમયે સારો એવો ઉતારો મળતો હોતો નથી. પરંતુ 10 થી 12 વર્ષની જહેમત બાદ બીજી જાતની સંકરણ કરીને આ જાતને વિકસાવવામાં આવી છે. જેમાં રોગ નથી તથા તેની પ્રતિકારક શક્તિ પણ ખૂબ વધુ છે. માર્કેટમાં તેની વેલ્યુ પણ વધશે. એવું કહેવાય કે આ જાતનું સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને થતાં નુકસાન અટકાવી દીધું છે. ઉત્પાદન સારૂં મળતાં તેના ભાવ સારા મળશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જાતમાં ભીંડા પર જોવા મળતી રૂંવાટી કે જેને કારણે હાથ પર ખંજવાળ આવે છે તે પણ આ જાતમાં જોવા નહીં મળે. આ સિવાય વિદેશમાં નિકાસ કરવા માટેના જે નિયમો છે તેને પણ જાત અનુસરે છે. ભીંડાના બિયારણ પર આધાર પર રહેલો છે.

હિંમતનગરની કંપની સાથે એમઓયુ કરાયા
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી ભીંડાની જાત ગુજરાત આણંદ ભીંડા-5 ખેડુતોને સરળતાથી ઉપલબ્ધ થાય અને ખેડુતોની આવકમાં પણ વધારો કરવાના આશયથી હિંમતનગરની દિનકર સીડસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર કરાયા હતા. આ પ્રસંગે શાકભાજી ડિપાર્ટમેન્ટના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. આર. આચાર્ય, કુલપતિ ડો. કે. બી. કથીરીયા સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

વાવેતર ચોમાસા-ઉનાળામાં પણ થઈ શકશે
ખેડૂતો દ્વારા ભીંડાનું વાવેતર અગાઉ એક ચોક્કસ ઋતુમાં જ થતું હતું. તેને બદલે યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી આ જાતનું વાવેતર ચોમાસા અને ઉનાળામાં પણ થઈ શકશે. વધુમાં આ જાત ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો કરી આપતી હોય રાષ્ટ્રીય કક્ષાએ પણ તેની સારી એવી નોંધ લેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...