વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ:આણંદમાં રાજકીય પક્ષોના બેનર અને હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ, સાત બેઠક પર 5મી ડિસેમ્બરે મતદાન

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. જેના પગલે આચારસંહિતાનો અમલ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવનારી છે. જેમાં આણંદ જિલ્લાની સાત વિધાનસભાની બેઠકો માટે 5મી ડિસેમ્બરના રોજ મતદાન થશે. જિલ્લામાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે આચારસંહિતાનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે.

સાત બેઠક માટે એક હજારથી વધુ મતદાન મથક
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ સ્થળે લગાવેલાં રાજકીય પક્ષોના બેનર અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 64 હજાર 384 મતદારો નોંધાયેલા છે, તે પૈકી 33 હજાર 516 નવા યુવા મતદારો નોંધાયા છે. જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરશે. આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે 1 હજાર 810 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં ખંભાતમાં-240, બોરસદમાં- 264, આંકલાવમાં-242, ઉમરેઠમાં 289, આણંદમાં-301, પેટલાદમાં-239 અને સોજિત્રામાં-235 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

કુલ-49 સખી મતદાન મથકો ઉભા કરાશે
ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો પર સાત-સાત મળી કુલ-49 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવનારા છે, જે તમામ મતદાન મથકો મહિલા કર્મચારીઓ સંચાલિત હશે. જ્યારે સાતેય વિધાનસભા બેઠકોમાં એક-એક મળી કુલ સાત-સાત દિવ્યાંગ અને આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત આણંદ વિધાનસભામાં 1 યુવા સંચાલિત મતદાન મથક ઉભા કરવામાં આવશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલિત પટેલ ખાસ હાજર રહ્યાં હતાં.
આણંદમાં સૌથી વધુ અને સોજિત્રામાં સૌથી ઓછા મતદારો
આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી આણંદ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 3 લાખ 13 હજાર 857 મતદારો નોંધાયેલા છે, જેમાં 1 લાખ 59 હજાર 122 પુરૂષ, 1 લાખ 54 હજાર 730 સ્ત્રી અને 5 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા 2 લાખ 20 હજાર 663 મતદારો સોજિત્રા વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. જેમાં 1 લાખ 13 હજાર 821 પુરૂષ, 1 લાખ 6 હજાર 835 સ્ત્રી અને 7 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
​​​​​​​ખંભાત વિધાનસભા બેઠકમાં 1 લાખ 20 હજાર 685 પુરૂષ,1 લાખ 12 હજાર 702 સ્ત્રી અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 2 લાખ 33 હજાર 388 મતદારો, બોરસદ વિધાનસભા બેઠકમાં 1 લાખ 34 હજાર 658 પુરૂષ, 1 લાખ 26 હજાર 523 સ્ત્રી અને 5 થર્ડ જેન્ડર મળી કુલ 2 લાખ 61 હજાર 186 મતદારો, આંકલાવ વિધાનસભા બેઠકમાં 1 લાખ 14 હજાર 846 પુરૂષ અને 1 લાખ 10 હજાર 234 સ્ત્રી મતદારો મળી કુલ 2 લાખ 25 હજાર 80 મતદારો, ઉમરેઠ વિધાનસભા બેઠકમાં 1 લાખ 38 હજાર 160 પુરૂષ, 1 લાખ 32 હજાર 743 સ્ત્રી અને 5 થર્ડ જેન્ડર મળી કુલ 2 લાખ 70 હજાર 908 મતદારો અને પેટલાદ વિધાનસભા બેઠકમાં 1 લાખ 22 હજાર 18 પુરૂષ, 1 લાખ 17 હજાર 177 સ્ત્રી અને 107 થર્ડ જેન્ડર મળી કુલ 2 લાખ 39 હજાર 302 મતદારોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...