રાત્રે 11 પછીની પાબંદી હટી:40 દિવસના બ્રેક બાદ 20 હજાર વિદ્યાર્થીને રાહત વિદ્યાનગરમાં બજાર રાત્રે 12.30 સુધી ખુલ્લું રહેશે

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ અને વિદ્યાર્થી મંડળે રજૂઆત કરતા કલેકટરે દોઢ કલાક વધારી આપ્યો
  • હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ રાત્રે પરીક્ષા ટાણે વાંચતા હોઈ ભૂખ લાગે તો બજારમાં નાસ્તો કરવા નિકળતા હોય છે

વિદ્યાનગરમાં રાત્રે અસામાજીક તત્વોનો ત્રાસ રોકવા માટે ગત 2જી ફેબ્રુઆરીના રોજ અધિક કલેક્ટરે રાત્રિના 11 વાગ્યા સુધી બજાર ખુલ્લાં રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેને લઇને વેપારીઓ સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિદ્યાનગરના સ્થાનિક લોકો, વેપારીઅો અને વિદ્યાર્થી મંડળે કલેક્ટરમાં રજૂઆત કરીને સમય વધારાની માંગ કરી હતી. તેને ધ્યાને લઇને જાહેરનામું બહાર પાડીને વિદ્યાનગરમાં રાત્રિના 12.30 સુધી બજાર ખુલ્લા રાખવાનો હુકમ કર્યો છે. 40 દિવસ બાદ રાત્રે બજારનો સમય દોઢ કલાક વધારી દેતાં હોસ્ટેલમાં રહેતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઅે રાહત અનુભવી છે.

વિદ્યાનગરમાં બહારના રાજ્ય અને જિલ્લામાંથી અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ હોસ્ટેલો અને પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. જેના કારણે મોડીરાત સુધી ખાણીપીણીનું બજાર ખુલ્લુ રહેતું હતું. જેથી ખાણપીણીના દુકાનદારો અને લારીઓવાળાને રોજગારી મળતી હતી. પરંતુ દોઢ માસ અગાઉ રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થી પર થયેલાં હુમલા બાદ તંત્રએ અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રાત્રિ બજાર માત્ર 11-00 વાગ્યા બાદ તમામ બજારો બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

જેના કારણે રાત્રે વિદ્યાર્થીઓને ભૂખ લાગે કે ચા કોફી પીવા માટે હવાતિયા મારવા પડતાં હતાં. તેમ ખાણીપીણીના ધંધામાં ભારે ફટકો પડ્યો હતો. જેને ધ્યાને લઇને કેટલાંક વિદ્યાર્થીઓ તેમજ ખાણીપીણીના દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સહિત તંત્રના અધિકારીઓને રજૂઆત કરીને સમયમાં છૂટછાટ આપવાની માંગ કરી હતી. તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા અધિક કલેક્ટરે બજારો રાત્રિના 12.30 સુધી ખુલ્લા રાખી શકાશે તેવો હુકમ કરતાં વિદ્યાર્થીઓ સહિત વેપારીઓમાં ખુશી વ્યાપી ગઇ છે.

રાત્રે નાસ્તા માટે ફાફા મારવા પડતાં હતા
વિદ્યાનગરમાં રાત્રિના 11 વાગ્યે બજાર બંધ કરવાના નિર્ણયથી વેપારીઓને ભારે ફટકો પડ્યો હતો. હોટલના સંચાલકો મુશ્કેલી મુકાયા હતા. વિદ્યાર્થીઓને રાત્રે નાસ્તા માટે ફાફા મારવા પડતાં હતા. તંત્રે દોઠ કલાક વધાર્યો છે તેથી રાહત રહેશે. > અલ્પેશ પુરોહિત, સભ્ય,NSUI

ચા પીવા માટે 5 કિમી દૂર જવુ પડતું હતું
એક્સટર્નલ પરીક્ષા સમયે વાંચન કરવા જાગવા માટે 5 કિલોમીટર દૂર આણંદ આઇરીસ હોસ્પિટલ બાજુ જતાં હતાં. મોડી રાત્રે ભૂખ લાગતાં ખાવા માટે ખૂબ તકલીફ પડતી હતી. > સુભાષ સારણ, વિદ્યાર્થી

મોડીરાત સુધી વાંચતા વિદ્યાર્થીઓને હાશકારો
આગામી એપ્રિલ -મેમાં વિવિધ ફેકલ્ટીની પરીક્ષા લેવાશે. તેને લઇને વિદ્યાર્થીઓ મોડીરાત સુધી વાંચતા હોય છે. રાત્રે ભૂખ લાગે તો નાસ્તો કરવા કે ચા કોફી પીવા માટે નીકળે છે. હવે રાત્રિના 12.30 સુધી બજાર ખુલ્લા રહેતા વિદ્યાર્થીઓને રાહત થશે. > કુલદીપ પટેલ વિદ્યાર્થી, વિદ્યાનગર

અન્ય સમાચારો પણ છે...