આણંદમાં આ વખતે ત્રણ દિવસ ઉત્તરાયણનો માહોલ રહેશે. જોકે, પતંગ રસિકોની આ મજા અબોલ પશુ-પક્ષી માટે સજા બની જાય છે. દર વરસે સેંકડોની સંખ્યામાં નિર્દોષ પક્ષીઓ કાચની દોરીથી જીવ ગુમાવે છે. દર વરસની જેમ આ વરસે પણ કલેક્ટરની અધ્યક્ષતામાં કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. સાથોસાથ પતંગરસીકોને પણ અપીલ કરી પ્લાસ્ટિક કે કાના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરવા કલેક્ટર મનોજ દક્ષિણીએ અપીલ કરી છે.
આણંદમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તુરંત જ સારવાર મળી રહે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે આયોજન કરવા કલેક્ટર મનોજ દક્ષિણીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરે તમામ સરકારી પશુ ચિકિત્સ, વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાંના પ્રતિનિધિઓ, યુવક મંડળો દ્વારા કરવામાં આવેલા આયોજનની સમીક્ષા કરી સારવારના અભાવે કોઇપણ પક્ષીનું મૃત્યું ન થાય તેની ખાસ તકેદારી રાખવા સુચવ્યું હતું.
આ ઉપરાંત પતંગ રસીકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યારે અને ખાસ કરીને સવારના નવ વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવીને અબોલ પક્ષીઓના જીવ બચાવવાના આ અભિયાનમાં સહભાગી બની પતંગ રસિકો પોતાની નૈતિક ફરજ અને જવાબદારી અદા કરશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. સાથોસાથ ચાઇનીઝ માંજા તરીકે ઓળખાતી પ્લાસ્ટિક કે કાચના માંજાવાળી દોરીનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી છે. આ બેઠકમાં પશુપાલન વિભાગ, વન વિભાગના ચિકિત્સકો, અધિકારીઓ, પોલીસ વિભાગ, એમ.જી.વી.સી.એલ., નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાનઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ચિકિત્સકો, વન વિભાગના અધિકારીઓની સાથે સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાય છે. જિલ્લાના પ્રજાજનોને આજુબાજુમાં કે કોઇપણ જગ્યાએ ઘાયલ પક્ષી નજરે પડે તો હેલ્પં લાઇન નં. 1962 કે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જીવો, જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે વોટસઅપ 8320002000 પર કરૂણા (Karuna) મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી પક્ષી સારવાર કેન્દ્ર માહિતી મળી રહેશે. તો તેના ઉપર સંપર્ક કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવાની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં નવ સો પક્ષીને બચાવવામાં આવ્યાં
આણંદ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક એન.એસ. પટેલે વન વિભાગ અને પશુપાલન દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજનની રૂપરેખા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત જિલ્લામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન 904 પક્ષીઓને રેસક્યુ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી 91 મૃત્યું પામ્યાં હતાં. જ્યારે 813ને બચાવી લેવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.