હાલાકી:આણંદમાં આરસીસી રોડનું કામ અધૂરૂં છોડી દેવાતાં રહીશો હેરાન`

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ લાઈન નાંખ્યાના બે માસ બાદ પણ રોડ ન બન્યો

આણંદ પાલિકાના સત્તાધિશોએ વિકાસના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. ત્યારે શહેરના ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે ચોમાસુ સિઝનમાં વરસાદ પડતાની સાથે પાણી ભરાઇ જતા હોવાથી વાહન ચાલકો, રહીશોને હાલાકીઓનો સામનો કરવો પડતો હતો. જો કે ફરિયાદોના પગલે પાલિકાએ તળાવથી આણંદ વિદ્યાનગર રોડ સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન બનાવીને કામગીરી પૂર્ણ થતાની સાથે આરસીસી રોડ બનાવવામાં આવી રહેલ છે. પરંતુ બે મહિનાથી કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિક વિસ્તારના રહીશો તંત્રના પાપે હાલાકીઓનો ભોગ બની રહ્યા છે. ટૂંક સમયમાં બાકી રહી ગયેલ કામગીરી આરંભી દેવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ વિદ્યાનગર રોડ સહિત ટાઉન હોલ પાસેના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ રહેતા હતા. ત્યારે રાજ્ય સરકારે મંજૂરી આપતા તંત્ર દ્રારા તળાવથી આણંદ વિદ્યાનગર રોડ સુધી ડ્રેનેજ લાઇન બનાવવામા આવી હતી. આ સમયે ખોદકામ કામગીરી હાથ ધરવામાં આવતા નવો આરસીસી રોડ બનાવાનો પાલિકાએ નિર્ણય કર્યો હતો. કાનોડ-તળાવથી ઓમકારેશ્વર મંદિર પાસે આવેલા બાગ સુધી આરસીસી રોડ બનાવીને બે મહિનાથી કામગીરી અધૂરી છોડી દીધી છે. જો કે પાલિકાએ કામગીરી બંધ કરી દેતા અક્ષર ફાર્મ રોડ સહિત આજુબાજુની સોસાયટી વિસ્તારના રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યા છે. તંત્રની ધોર બેદરકારીના પગલે વાહન ચાલકો અને રહીશોને પડતી હાલાકી સંદર્ભે પાલિકા તંત્ર દ્રારા વહેલી તકે આરસીસી રોડની કામગીરી પૂર્ણ કરવા માટેની માંગ ઉઠી છે.

બીજા તબક્કામાં ગ્રાન્ટ ફાળવવામાં આવતાં ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં દેવાશે
આણંદ શહેરના કાનોડ તળાવથી ઓમકારેશ્વર મંદિર સુધી આરસીસી રોડ એક તબક્કા મુજબ તૈયાર કરવામા આવી રહેલ છે. પરંતુ બીજા તબક્કામા પંદરમાં નાણાપંચ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી આણંદ નગર પાલીકાના કોન્ટ્રાક્ટર દ્વારા ટૂંક સમયમાં બાકી રહેલા આરસીસી રોડની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. > એસ.કે.ગરવાલ, ચીફ ઓફિસર,નગરપાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...