તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:આણંદના મોટી ખોડિયાર માર્ગ ઉપર જીવલેણ ખાડા અને ઉભરાતી ગટરો, કામકાજ ઠપ્પ થતાં સ્થાનિકોને મુશ્કેલી

આણંદ4 દિવસ પહેલા
  • ચોમાસાની સિઝનમાં આ વિસ્તારના રહીશો માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે
  • ગટર કામકાજમાં છ ફૂટથી વધુ મોટી પાઇપો નાખવામાં આવી છે તે કામ પણ અધૂરું
  • માણસ ગરકાવ થઈ જાય તેવા ઊંડા,લાંબા અને પહોળા જીવલેણ ખાડા થી ગંભીર અકસ્માતનો ભય

આણંદમાં વિકાસના કામોની મંથર ગતિ પ્રજાની અસુવિધો અને મુસીબતો વધારી રહી છે. ચૂંટણી ટાણે મસમોટી વાતો કરી ચપટીમાં જ તમામ સમસ્યાઓના નિરાકરણનો દાવો અને વાયદા કરતા નેતાઓ ચૂંટણી બાદ પ્રજાને ફરિયાદો સાંભળવા પણ તૈયાર નથી હોતા. આણંદના મોટી ખોડિયાર રોડ બાજુ ચાલતા વિકાસ કામોએ આ વિસ્તારના રહીશો માટે વિકરાળ સમસ્યા ઉભી કરી છે.

ગત ચોમાસા બાદ શરૂ થયેલા આ કામ આ સીઝનમાં પણ અધૂરું છે. આ વિસ્તારમાં ગટર વ્યવસ્થા માટે કરવામાં આવતો વિકાસના ખાડામાં સમાયેલ જણાઈ આવે છે. વળી ગટરનું ગંદુ પાણી છેલ્લા ઘણા દિવસોથી લીકેજ થઈ બહાર નીકળે છે. જાહેર આરોગ્ય માટે જોખમી આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં મચ્છર અને ઝીણી મસીનો ઉપદ્રવ વધ્યો છે.

આણંદમાં મોટી ખોડિયાર માર્ગ ઉપર વિકાસના કામોની ધીમી ગતિ પ્રજાને પજવી રહી છે અને તેમની પીડા વધારી રહી છે. જાહેર આરોગ્યને ખતરારૂપ વિકાસ અહીં વિસ્તારમાં ખાડામાં ગયો છે. આ ખાડા એટલા મોટા અને જીવલેણ જણાઈ રહ્યા છે કે રાત્રીના અંધારપાટમાં કોઈ નાગરિક અટવાય તો તે અકસ્માત કે મૃત્યુ નો ભોગ બને. આ સમસ્યાને કોન્ટ્રાકટર એજન્સી કે સત્તાધીશો ગંભીરતાથી નહીં લે તો આવનારા ચોમાસાના દિવસોમાં આ વિસ્તાર કોઈ ગંભીર જીવલેણ ઘટનાનો સાક્ષી બનશે.

મહત્વનુ છે કે, આ વિસ્તારમાં આઠથી દસ હજારથી વધુની વસ્તી રહે છે. અનેક સોસાયટીઓ નિર્માણ થઈ છે અને હજુ વધી રહી છે, પરંતુ પ્રજાની પ્રાથમિક સુવિધાઓ માટે અહીંના રહીશોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ગટર કામકાજમાં છ ફૂટથી વધુ મોટી પાઇપો નાખવામાં આવી છે. જેનું કામ અધૂરું હતું જ્યાં વરસાદ પડતાં તમામ પાઇપોમાં માટી ભરાઈ ગઈ છે. પાઇપો માટે ખોદવામાં આવેલ ખાડા 12થી વધુ ફૂટ પહોળા 15 ફૂટ જેટલા ઊંડા,ક્યાંક 20 ફૂટ લાંબા ​​​​​જણાઈ રહ્યા છે.અહીંની ભીની અને પોચી માટીમાં રાત્રીના અંધારે કોઈ અટવાય તો હોસ્પિટલ પણ પહોંચી ન શકે તેવી હાલત છે.

આ વિસ્તારમાં રહેતા જગદીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમના ઘરની બિલકુલ સામે જ સપ્તાહથી ગટર લીકેજ થાય છે. અહીં કોઈ કોન્ટ્રાકટર કે પાલિકાના માણસો જોવા પણ આવતા નથી. અહીં પારાવાર દુર્ગંધ મારે છે. પાણીજન્ય જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સમગ્ર માર્ગ ઉપર મસમોટા ખાડા ખોદી કાઢ્યા છે. વળી હાલ કામ ઠપ્પ હોઈ ચોમાસામાં અમારી શી દશા થશે તે કલ્પના માત્ર થી ધ્રુજી જવાય છે. પાલિકા સત્તાધીશોની અને કોન્ટ્રાકટરની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે હવે આંદોલન જ એક માત્ર વિકલ્પ જણાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...