• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Rajendra Singh's Resounding Victory As Amul's Vice chairman In Anand, Out Of A Total Of 15 Votes, Rival Rajesh Pathak Got 6 Votes And Rajendra Singh 9 Votes.

અમૂલ ડેરીના વાઈસ ચેરમેનની ચૂંટણી:આણંદમાં અમૂલના વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહનો ભવ્ય વિજય, કુલ 15 મતમાંથી હરિફ રાજેશ પાઠકને 6 અને રાજેન્દ્રસિંહને 9 મત મળ્યાં

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈતિહાસમાં પ્રથમવાર લોકશાહીને ગૌરવ અપાવતો ચૂકાદો અપાયો છે તે બદલ અમે હાઇકોર્ટના આભારી છીએ :રાજેન્દ્રસિંહ
  • 500 કરોડથી વધુને કામોનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે: રામસિંહ પરમાર
  • હાઈકોર્ટના આદેશ મુજબ મતગણતરી હાથ ધરવામાં આવી હતી

આણંદ અમૂલ ડેરીમાં સરકારી પ્રતિનિધિની નિમણુંકનો હાઈકોર્ટમાં અટવાયેલ વિવાદનો ચુકાદો આવી જતા અમૂલ ડેરીના વાઈસ ચેરમેનની ચૂંટણી હાઈકોર્ટના આદેશ બાદ મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ચૂંટણી અધિકારી એવા આણંદ પ્રાંત વિમલ બારોટે મતગણતરી કરી પરિણામ જાહેર કર્યું હતું.આ પરિણામમાં કુલ 15 મતમાંથી રાજેન્દ્રસિંહ પરમારને 9 મત અને તેમના હરિફ રાજેશ પાઠકને 6 મત મળતાં રાજેન્દ્રસિંહને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. આ જાહેરાત સાથે જ રાજેન્દ્રસિંહના ટેકેદારોએ તેમની વધામણી કરી હતી અને હારતોરા કરી વિજયઘોષ કર્યો હતો.

કોર્ટે મતની ગણતરી કરવા આદેશ કર્યો હતો
આણંદના અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણી વર્ષ 2020માં યોજાઇ હતી. જેમાં 15 સભ્યો ચૂંટાયાં હતાં. આ સભ્યો દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી કરવાની હોય છે. જેમાં ચેરમેન તરીકે રામસિંહ પરમાર બિનહરીફ ચૂંટાયાં હતાં. પરંતુ વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમાર અને બાલાસિનોરના રાજેશભાઈ પાઠક વચ્ચે હરિફાઈ થઈ હતી. આ સમયે સરકાર દ્વારા ત્રણ પ્રતિનિધિની નિમણૂંક કરી હતી અને તેમને પણ મતદાન કરતાં મામલો કાયદાકીય રીતે ગૂંચવાયો હતો. આ અંગે રાજેન્દ્રસિંહએ હાઇકોર્ટમાં ધા નાંખી હતી. જેમાં કોર્ટે ત્રણેય પ્રતિનિધિની નિમણૂંક રદ્દ કરી 15 સભ્યોએ આપેલા મતની ગણતરી કરવા આદેશ કર્યો હતો. આ આદેશ અંતર્ગત મંગળવારના રોજ ચૂંટણી અધિકારી વિમલ બારોટ દ્વારા અમૂલના સભાખંડમાં સવારે 11 વાગે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં રાજેન્દ્રસિંહ પરમારને 9 અને રાજેશ પાઠકને 6 મત મળ્યાં હતાં. જેના પગલે રાજેન્દ્રસિંહનો વિજય થતાં તેમના ટેકેદારોમાં ઉત્સાહ બેવડાઇ ગયો હતો અને તેઓએ વિજયોત્સવ ઉજવ્યો હતો.

હાઈકોર્ટ દ્વારા અપાયેલો આદેશ એ લોકશાહીની જીત છે
આ પ્રસંગે રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, લાંબી કાનૂની લડાઈ બાદ હાઇકોર્ટે અમૂલ ,અમૂલ સભાસદો ,મતદારો ,અને લોકશાહીના હિતમાં ચૂકાદો આપ્યો છે.અમૂલના ઈતિહાસમાં પ્રથમવાર લોકશાહીને ગૌરવ અપાવતો ચૂકાદો અપાયો છે તે બદલ અમે હાઇકોર્ટના આભારી છીએ.આ કાયદાકીય વિવાદને લઈ અમૂલ ના વિકાસમાં વ્યાપક નુકશાન થયું છે જેને આગામી દિવસોમાં સભાસદો પશુપાલકોના હિતમાં મહત્વના નિર્ણયો લઈ પરીપૂર્ણ કરીશુ.

ગેટ બહાર ધારાસભ્ય, પરંતુ અમૂલમાં આવતા સભાસદ: રાજેન્દ્રસિંહ પરમાર
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હું અમૂલના ગેટ બહાર ધારાસભ્ય છું. પરંતુ અમૂલમાં આવતા જ સભાસદ છું. મારા માટે પશુપાલકનું હિત સર્વોપરિ છે. હાઈકોર્ટ દ્વારા અપાયેલો આદેશ એ લોકશાહીની જીત છે.ગુજરાતના 18 દૂધ સંઘોમાં અમૂલ જ સૌથી વધુ દૂધમાં ભાવ આપે છે તજ અમૂલ દાણના ભાવ પણ અન્ય તમામ દૂધ સંઘો કરતા ઓછા હોય છે તે રીતે પશુપાલકો અને સભાસદોના તમામ હિતોનું ધ્યાન રાખવામાં આવે છે.

પશુપાલકોના હિત માટે લેવાના તમામ નિર્ણયો લેવામાં આવશે
આ તબક્કે અમૂલ ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમૂલ ડેરીના વાઇસ ચેરમેનની નિમણૂંક થતાં બોડી સંપૂર્ણ બની છે અને આગામી સામાન્ય સભા અને તે બાદ મળનારી બોર્ડ બેઠકમાં અમૂલ ડેરીના પડતર તમામ કામોનો નિકાલ કરવામાં આવશે.ખાસ કરીને મહારાષ્ટ્ર, કલકત્તા સહિતના પ્લાન્ટના વિસ્તરણ માટેની સમસ્યા છે, તે બાબતે યોગ્ય અયોજનો કરી અગ્રીમતાના ધોરણે હલ કરવામાં આવશે.500 કરોડથી વધુને કામોનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.

રામસિંહ પરમારની બિનહરીફ વરણી થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૂલની સામાન્ય ચૂંટણી બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે રામસિંહ પરમારની બિનહરીફ વરણી થઈ હતી.જ્યારે વાઈસ ચેરમેનની ચૂંટણીમાં વિવાદ થયો હોઈ ચેરમેન તરીકેની અધિકૃત જાહેરાત પણ અટવાઈ પડી હતી.જે અમૂલ ચૂંટણી અધિકારી દ્વારા આજે ચેરમેન અને વાઈસ ચેરમેનને અધિકૃત માન્યતા આપતું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...